ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. તે 30° 38´ ઉ. અ. અને 78° 48´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા છે. હિમાલય ગિરિમાળાના દક્ષિણ ઢોળાવ પર આ જિલ્લો આવેલો છે. જેનો દક્ષિણનો ઢોળાવ પ્રમાણમાં તીવ્ર છે. આશરે 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે અહીંની લાક્ષણિકતા છે. જેને પશ્ચિમમાં ‘દૂન’ અને પૂર્વમાં ‘દ્વાર’ કહે છે. અહીં આવેલી ટેકરીઓ સ્થાનિક નામથી ઓળખાય છે. જેમ કે ઉત્તરાખંડમાં આવેલી શ્રેણી ‘ડુંડવા શ્રેણી’ તરીકે ઓળખાય છે. ઉત્તરે આવેલી હિમાલય પર્વતશ્રેણીથી હેઠવાસ તરફ જતી મોટા ભાગની નદીઓએ આ શ્રેણીને કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. ભાગીરથી અને અલકનંદા નદીઓ આ જિલ્લામાંથી વહે છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં 6600 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી હિમનદી છે. જ્યાંથી ઉદ્ગમ પામતી નદી તે ભાગીરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગ પાસે અલકનંદાનો સંગમ થાય છે. જ્યાં સૂરકન્ડા દેવીનું મંદિર આવેલું છે. અહીં ઘનાઉલ્ટી (Dhanaulti) પર્વત આવેલો છે. નાગ ટીબ્બા અને તેહરી બંધ પાસેથી હિમાલયનાં દર્શન થાય છે.

તેહરી બંધ
અહીં ભેજવાળાં પાનખર જંગલો આવેલાં છે. મોટે ભાગે અહીં આર્દ્રતાનું પ્રમાણ 60%થી 80% ટકા જોવા મળે છે. આ જંગલોમાં પાઇન, ઓક, ફર, દેવદાર, પોપ્લર, ચેસ્ટનટ, ચીડ, બર્ચ વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જિલ્લાના 68% ભૂમિવિસ્તારમાં જંગલો, ઘાસ અને ઝાડીઝાંખરાં છવાયેલાં છે. આ જંગલોમાં ઘાસ વધુ હોવાથી ઘાસ ઉપર નભનારાં પ્રાણીઓ જેમાં સાબર, ચિત્તલ, હરણ, ઘેટાં, બકરાં જ્યારે માંસાહારી પ્રાણીઓ વાઘ, દીપડા, જંગલી બિલાડી વગેરે છે. અહીં જમીનમાં કાંકરા, પથ્થર વધુ હોય છે તેથી એની ફળદ્રુપતા ઓછી હોય છે. જમીનનો રંગ પ્રમાણમાં કથ્થઈ હોય છે. જિલ્લાના નદીકિનારાના વિસ્તારમાં પગથિયાંવાળાં ખેતરોમાં ખેતી થાય છે. મોટે ભાગે ડાંગર, જવ, ઘઉં, તેલીબિયાં, ફળફળાદિ અને શાકભાજી જ્યારે કઠોળમાં ચણા, મસૂર, સોયાબીન, રાઈ અને આદું-મરચા, વટાણાની ખેતી લેવાય છે. આ જિલ્લાનો વિસ્તાર 4,080 ચો.કિમી. છે, વસ્તી આશરે 6,35,000 (2025 મુજબ) છે.
બિજલ પરમાર, નીતિન કોઠારી
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, તેહરી ગઢવાલ, પૃ. 17 અથવા જુઓ https://gujarativishwakosh.org/તેહરી ગઢવાલ/)
