જ. 4 નવેમ્બર, 1938 અ. 10 માર્ચ, 2019

ગુજરાતનાં શિક્ષણવિદ, પ્રાધ્યાપિકા અને લેખિકા દક્ષાબહેનનો જન્મ ભાવનગરમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા શાંતાબહેન અને પિતા વિજયશંકર. પિતા લેખક અને ચિંતક હતા. દક્ષાબહેન પ્રસિદ્ધ લેખક મુકુંદરાય પારાશર્યનાં નાનાં બહેન અને ભાવનગર રાજ્યના પ્રભાશંકર પટ્ટણીનાં ભત્રીજી હતાં. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું હતું. તેઓ 1962માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક અને 1965માં તે વિષયો સાથે અનુસ્નાતક થયાં હતાં. 1976માં ડૉ. ઈશ્વરલાલ દવેના માર્ગદર્શનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. તેઓ 1962માં ભાવનગરની ઘરશાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં અને 1965 સુધી ત્યાં કામ કર્યું. 1969માં પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ કૉલેજમાં જોડાયાં અને પછી 1970માં ભાવનગરની વળિયા આર્ટસ અને મહેતા કૉલેજમાં પ્રાધ્યાપિકા તરીકે જોડાયાં. 2001માં નિવૃત્ત થયાં ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે 1977થી 1994 સુધી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત અને ગાંધીદર્શનનાં વિઝિટિંગ વ્યાખ્યાતા તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ અને લોકભારતી, સણોસરામાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમણે ગાંધીવિચારધારાને જીવનનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. તેઓ 1982થી 2013 સુધી ભાવનગરની ગાંધીસ્મૃતિ સંસ્થાની ગાંધીવિચારધારા સમિતિનાં સભ્ય હતાં. ગાંધીવિચારની શાળાઓમાં લેવાતી પરીક્ષાના કાર્યમાં જોડાયાં હતાં. વક્તૃત્વ અને લેખન તેમની પ્રિય પ્રવૃત્તિ હતી. તેમણે પીએચ.ડી. માટે લખેલ શોધનિબંધ છ ખંડોમાં પ્રકાશિત થયો : ‘ગાંધીજીનું ચિંતન’ (1980), ‘ગાંધીજી : વ્યક્તિત્વનું ઘડતર’ (1981), ‘ગાંધીજી : ધર્મવિચારણા’ (1984), ‘ગાંધીવિચાર : સત્ય અને અહિંસા’ (2000), ‘ગાંધીજીના વિચારમાં સત્યાગ્રહ’ (2001) અને ‘ગાંધીજીનું ચિંતન : મૂલ્યાંકન’ (2003). આ ઉપરાંત તેમનાં 50થી વધુ નિબંધો, વ્યાખ્યાનો અને વિવેચનો પ્રકાશિત થયાં છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ભગિની નિવેદિતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
અનિલ રાવલ
