જ. 10 નવેમ્બર, 1920 અ. 14 ઑક્ટોબર, 2004

લેખક, કુશળ સંગઠક, વક્તા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દત્તોપંત ઠેંગડીનો જન્મ મહારાષ્ટ્રના આર્વીમાં થયો હતો. પિતા બાપૂરાવ વકીલ હતા. માતા જાનકીદેવી ભગવાન દત્તાત્રેયનાં ભક્ત હતાં. દત્તોપંતજીએ શાળેય શિક્ષણ આર્વી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં મેળવ્યું. 15 વર્ષની ઉંમરે તેમણે ‘વાનરસેના’ અને આર્વીની મ્યુનિસિપલ હાઈસ્કૂલના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે કાર્ય કર્યું. 1936માં મોરિસ કૉલેજમાં દાખલ થયા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન સાથે જોડાયા. અનુસ્નાતક થયા પછી નાગપુરની લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. તેઓ 22 માર્ચ, 1942ના રોજ પ્રચારક બન્યા. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિસ્તાર કરવા માટે કાલિકટ ગયા. 1945માં કૉલકાતામાં પ્રચારક તરીકે ગયા. 1949માં બંગાળ-અસમ પ્રાંતપ્રચારક બન્યા. 1950માં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(INTUC)ના સંગઠનમંત્રી બન્યા. તેઓ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં જનસંઘના સંગઠનમંત્રી હતા. તેમણે ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સ્વદેશી જાગરણમંચ, સામાજિક સમરસતામંચ, સર્વ પંથ સમાદર મંચ અને પર્યાવરણ મંચની સ્થાપના કરી. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય અધિવક્તા પરિષદ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સહસ્થાપક હતા. તેઓ 1964થી 1976 સુધી રાજ્યસભાના સભ્ય હતા. 1969માં સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે હંગેરી અને સોવિયેત રશિયાની મુલાકાત લીધી. તેઓ ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન પરિષદમાં પ્રતિનિધિ તરીકે હંગેરી ગયા અને 1977માં જિનીવા ખાતે બીજી આંતરરાષ્ટ્રીય રંગભેદ વિરોધી પરિષદમાં હાજરી આપી. તેમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો હતો.
તેઓ હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં લેખન કરતા હતા. તેમણે 100 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.
અનિલ રાવલ
