દારાસિંહ


જ. 19 નવેમ્બર, 1928 અ. 12 જુલાઈ, 2012

પ્રખ્યાત પહેલવાન અને અભિનેતા તરીકે જાણીતા દારાસિંહનો જન્મ પંજાબના અમૃતસર પાસે ધરમૂચક નામના ગામમાં થયો હતો. તેમનું આખું નામ દીદારસિંહ રંધાવા હતું. તેમના પિતાનું નામ સૂરતસિંહ અને માતાનું નામ બલવંત કૌર હતું. મજબૂત કદકાઠી ધરાવતા હોવાથી નાનપણથી જ કુસ્તીનો શોખ જાગ્યો હોવાથી તેમણે અખાડામાં જવાનું શરૂ કર્યું હતું. અખાડામાં કુસ્તીના દાવપેચ શીખી પહેલાં મેળા અને અન્ય સમારંભોમાં યોજાતી કુસ્તી હરીફાઈમાં તેઓ ભાગ લેવા લાગ્યા. ધીરે ધીરે તેમની પહેલવાનીને લોકોની માન્યતા મળવા લાગી અને તેઓ ભારતમાં કુશળ પહેલવાન તરીકે જાણીતા થયા. 1947માં દારાસિંહ સિંગાપુર ગયા હતા, ત્યાં તેમણે ભારતીય શૈલીની કુસ્તીમાં ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. એ પછી તેમણે પહેલવાન તરીકે અનેક દેશોમાં પોતાની ધાક જમાવી દીધી હતી. 1952માં તેઓ ભારત પાછા ફર્યા અને 1954માં ભારતીય ચૅમ્પિયન બન્યા. ત્યારબાદ તેમણે બધા રાષ્ટ્રમંડળ દેશોની મુલાકાત લીધી અને ઓરિએન્ટલ ચૅમ્પિયન કિંગકાંગને હરાવી દીધો. દારાસિંહના નામનો દેશ અને દુનિયામાં ડંકો વાગવાને કારણે કૅનેડા અને ન્યૂઝીલૅન્ડના પહેલવાનો દ્વારા તેમને કુસ્તી લડવાની ચુનૌતી મળી. કૉલકાતામાં આયોજિત રાષ્ટ્રમંડળ-કુસ્તી ચૅમ્પિયનશિપમાં કૅનેડાના ચૅમ્પિયન જ્યોર્જ ગાડીયાંકા અને ન્યૂઝીલૅન્ડના ચૅમ્પિયન જોન ડિસિલ્વા તથા અન્ય કુસ્તીબાજોને હરાવીને 1959માં તેમણે ચૅમ્પિયનશિપ પોતાના નામે કરી 1968માં અમેરિકાના વિશ્વચૅમ્પિયન લાઉ થેજને હરાવીને ફ્રી સ્ટાઇલ કુસ્તીના વિશ્વચૅમ્પિયન બની ગયા અને તેમણે વિશ્વવિજેતાનો તાજ ભારતને અપાવ્યો. 1983માં તેમણે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી, એ સમયે તેમને અપરાજય ચૅમ્પિયનના ખિતાબથી નવાજવામાં આવ્યા. 500થી વધુ કુસ્તીજંગમાં તેમણે ભાગ લીધો હતો અને ક્યાંય પણ તેમનો પરાજય થયો ન હતો. એક નિર્માતાના આગ્રહને લીધે તેમણે ફિલ્મોમાં ઝંપલાવ્યું. મુમતાઝ સાથે 16 ફિલ્મોમાં અભિનય ઉપરાંત દારાસિંહે ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. રામાયણ અને મહાભારતમાં તેમની હનુમાનની ભૂમિકા આજે પણ વખણાય છે. તેઓ 60થી 70ના દાયકામાં બોલિવુડના ઍક્શનકિંગ રહ્યા.