જ. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૩૮ અ. ૧૦ ડિસેમ્બર, ૨૦૦૯

મરાઠી અને અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, સંપાદક, અનુવાદક, નાટ્યકાર અને ફિલ્મકાર દિલીપ ચિત્રેએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમના પિતા પુરુષોત્તમ ચિત્રે વડોદરાથી ‘અભિરુચિ’ નામનું મરાઠી સામયિક ચલાવતા હતા. ૧૯૫૧માં તેઓ મુંબઈ ગયા હતા. ૧૯૫૯માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. દિલીપ ચિત્રેએ ત્રણ વર્ષ ઇથિયોપિયામાં શિક્ષક અને એક વર્ષ અમેરિકામાં આયોવા ખાતે આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ લેખનકાર્ય કર્યું હતું. ત્યારબાદ ભારત પાછા ફરીને તેમણે પત્રકાર અને ડિઝાઇનર તરીકે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના કલાવિભાગમાં તેમજ સ્વતંત્ર રીતે કામગીરી કરી હતી. તેમણે ૧૯૭૮થી ૧૯૮૩ દરમિયાન ભોપાલમાં નિરાલા સૃજનપીઠ અને ભારતભવનમાં વાગર્થના નિયામક, નવી દિલ્હી ખાતે વાલ્મીકિ વિશ્વ કવિતા મહોત્સવના નિયામક તથા પુણેમાં ‘ન્યૂ ક્વેસ્ટ’ના સંપાદક જેવી મહત્ત્વની જવાબદારીઓ સંભાળી હતી. દિલીપ ચિત્રે તેમના ‘કવિતા’, ‘કવિતેનંતરચ્યા કવિતા’, ‘દહે બાઈ દહા’ અને ‘એકૂણ કવિતા’ ખંડ ૧-૨ જેવા કાવ્યસંગ્રહો, ‘ઑર્ફિયસ’ નામનો વાર્તાસંગ્રહ, ‘શીબા રાણીચ્ચ શોધાત’ નામના સચિત્ર પ્રવાસવર્ણન દ્વારા મરાઠી સાહિત્યજગતમાં અગ્રેસર બની રહ્યા હતા. તેમણે તુકારામના અભંગોનો ‘સે તુકા’ શીર્ષક હેઠળ અને જ્ઞાનદેવના ‘અમૃતાનુભવ’માંથી પસંદગીનાં કાવ્યોનો અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં લખેલું એક દીર્ઘકાવ્ય ‘ઍમ્બુલન્સ રાઇડ’ અને ‘ટ્રાવેલિંગ ઇન એ કેજ’ મુખ્ય છે. ૧૯૮૩માં હિંદી કથા-ફિલ્મ ‘ગોદામ’ અને કવિઓ પર બનાવેલ કેટલાંક વૃત્તચિત્રો અને શ્રેણીઓ એમનું મહત્ત્વનું પ્રદાન છે. દિલીપ ચિત્રેને મહારાષ્ટ્ર રાજ્ય કવિતા પુરસ્કાર, કહાની પુરસ્કાર, ગોદાવરી સ્મૃતિ કવિતા પુરસ્કાર તથા રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમનો સર્વોત્કૃષ્ટ ફિલ્મ પટકથા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ‘એકૂણ કવિતા’ ખંડ-૧ને ૧૯૯૪નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય પણ તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યા હતા.
અશ્વિન આણદાણી
