જ. ૨ જૂન, ૧૯૪૩ અ. ૧૯ મે, ૨૦૧૬

ગુજરાતનાં લોકગીતોને પોતાનો કંઠ આપી ઘેર ઘેર ગુંજતાં કરનારાં દિવાળીબહેન ભીલનો જન્મ અમરેલી જિલ્લામાં આદિવાસી જાતિમાં થયો હતો. પિતાનું નામ પૂંજાભાઈ અને માતાનું નામ મોંઘીબહેન. તેમનું બાળપણ ગીરના જંગલમાં વીત્યું હતું. માતાની પ્રેરણાથી દિવાળીબહેને નાનપણથી જ ગરબા ગાવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેઓ આજુબાજુનાં ગામોમાં પ્રસંગોપાત્ત, બહેનપણીઓ સાથે ગરબા ગાવા જતાં. નવ વર્ષની વયે તેમનાં લગ્ન ફોક થયાં, પરંતુ લોકગીતો ગાવાનો શોખ માતાના પ્રોત્સાહનથી ચાલુ રહ્યો. દસ વર્ષ સુધી તેમણે જૂનાગઢના એક ડૉક્ટરના દવાખાનામાં નોકરી કરી, ત્યારબાદ જૂનાગઢની સાર્વજનિક હૉસ્પિટલમાં તેઓ નર્સોના ક્વાર્ટર્સમાં નોકરી કરવા લાગ્યાં. ૧૯૬૪માં તેમના જીવનપ્રવાહમાં એક નવો વળાંક આવ્યો. તે વર્ષે નવરાત્રિ દરમિયાન જૂનાગઢના એક ચોકમાં તેઓ ગરબો ગવડાવતાં હતાં. જોગાનુજોગ ખ્યાતનામ હેમુ ગઢવી તે ચોકમાં હાજર હતા. તેમને દિવાળીબહેનનો રણકતો અવાજ અને ગાવાનો લય ખૂબ પસંદ પડી ગયા અને તેમણે દિવાળીબહેનના એક ગરબાનું સ્થળ પર જ રેકૉર્ડિંગ કરી લીધું. બીજા જ દિવસે તેમને આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર બીજાં ગીતોના રેકૉર્ડિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાર પછી રતુભાઈ અદાણી સાથે દિલ્હી ગયાં, જ્યાં આયોજિત લોકસંગીત મહોત્સવમાં તેમણે ગાયેલા ગીતને પ્રથમ પારિતોષિક એનાયત થયું. તેમની ખ્યાતિ ચારેકોર ફેલાવા લાગી હતી. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આયોજિત થતા ડાયરા અને લોકસંગીતના કાર્યક્રમોમાં ગાવા માટેનાં આમંત્રણ મળવા લાગ્યાં. કલ્યાણજી-આણંદજી બેલડીમાંના કલ્યાણજીભાઈએ તેમને ‘જેસલ તોરલ’ ચલચિત્રમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાની તક આપી. તેમાં તેમણે ગાયેલું ‘પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સાંભળ રે’ ઘેર ઘેર ગુંજતું થયું. તેમણે ન તો કોઈ ઔપચારિક શિક્ષણ લીધું હતું કે ન કોઈ સંગીતની તાલીમ લીધી હતી, છતાં દેશવિદેશમાં તેમના અનેક કાર્યક્રમો યોજાયા હતા. સ્વરકિન્નરી લતા મંગેશકરે પણ તેમનાં ગાયિકા તરીકે વખાણ કર્યાં હતાં. ૧૯૯૦માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો. ગુજરાત સરકારે તેમને ‘ગુજરાત ગૌરવ’નો ઍવૉર્ડ એનાયત કર્યો હતો.
અમલા પરીખ