દીનદયાળ ઉપાધ્યાય


જ. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા દીનદયાળ ઉપાધ્યાયનાં માતા-પિતાનું અવસાન ખૂબ નાની વયે થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો હતો. તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હોવાથી ઘણાં બધાં પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી શક્યા હતા. તેમણે કૉલેજશિક્ષણ કાનપુરમાં લીધું હતું. તેમનામાં શિક્ષક બનવાની સંપૂર્ણ લાયકાત હોવા છતાં તેઓ ૧૯૪૨માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. શરૂઆતમાં સંઘની કાર્યવિધિની તાલીમ પ્રાપ્ત કર્યા બાદ સંઘના પૂર્ણકાલીન કાર્યકર થયા અને તેના પ્રમુખ પ્રચારક પણ બન્યા હતા. સંગઠનોનું ઘડતર કરવાની અપાર ક્ષમતા ધરાવનાર દીનદયાળે ક્રમશ: માસિક ‘રાષ્ટ્રધર્મ’, સાપ્તાહિક ‘પાંચજન્ય’ અને દૈનિક ‘સ્વદેશ’નો પ્રારંભ કર્યો હતો. ૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના થતાં તેઓ ઉત્તરપ્રદેશશાખાના પ્રથમ મહામંત્રી નિમાયા. એ પછી પક્ષના અખિલ ભારતીય મહામંત્રીપદે ૧૫ વરસ સુધી સેવારત રહી પક્ષમાં આદર્શ-પ્રેરિત કાર્યકર્તાઓ તૈયાર કર્યા અને પક્ષનો વૈચારિક ઢાંચો ઘડ્યો. તેઓ એકાત્મ માનવવાદના હિમાયતી હતા. તેમણે વિકેન્દ્રિત અને સ્વાવલંબી આર્થિક નીતિની ભલામણ કરી હતી. આ આર્થિક નીતિઓમાં આપણી જરૂરિયાત મુજબ આધુનિક ટૅકનૉલૉજીનો સ્વીકાર કરવાનો મત તેઓ ધરાવતા હતા. ગ્રામીણ ભારતના વિકાસ સંદર્ભે તેમનો દૃષ્ટિકોણ રચનાત્મક હતો. અપ્રતિમ સફળતાને વરેલું ૧૯૬૭નું પક્ષનું કાલિકટ અધિવેશન તેમની દૂરંદેશી અને રાજકીય નેતૃત્વશક્તિનું દ્યોતક હતું. દીનદયાળ ઉપાધ્યાય પાસેથી ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ અને ‘જગદગુરુ શંકરાચાર્ય’ તેમજ તેમના ચિંતનના પરિપાક રૂપે ‘ધ ટુ પ્લાન્સ – પ્રૉમિસિસ ઍન્ડ પ્રોસ્પેક્ટ્સ’ જેવા ગ્રંથો મળે છે. લખનઉથી પટના પ્રવાસ દરમિયાન ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ તેમનો મૃતદેહ મુગલસરાઈના રેલવેયાર્ડમાં મળી આવ્યો હતો. તેમની સ્મૃતિમાં ટપાલખાતાએ ૨૫ પૈસાની, પાંચ રૂપિયાની, દસ રૂપિયાની અને ૨૫ રૂપિયાની ટપાલટિકિટો બહાર પાડી છે.