નરકવાસી બનવા માનવી તડપે છે


સ્વર્ગની શોધ કરવા માટે ઊંચે આકાશ ભણી મીટ માંડીને બેઠેલા માનવીએ સ્વર્ગને ગુમાવ્યું. નરકને પારખવા માટે છેક પાતાળ સુધી દૃષ્ટિપાત કરવાની જરૂર નથી. સ્વર્ગ કે નરક બંને માનવીના હૃદયમાં નિહિત છે. ઉપરના સ્વર્ગની કે નીચેના પાતાળની ખોજ કરવા માટે પહેલાં પોતાના ભીતરમાં નજર કરીએ. વ્યક્તિ સ્વયં સ્વર્ગ સર્જે છે અને નરક રચે છે. મોટા ભાગના માનવી પૃથ્વી પર પણ નરકનું જીવન જીવતા હોય છે. આ નરક એટલે શું ? આ નરક એટલે વિકૃત, નકારાત્મક જીવનશૈલી. આ નરક એટલે જીવનમાં આનંદને બદલે વિષાદ શોધવાની મનોવૃત્તિ. આ નરક એટલે બીજાના અપમાનને પોતાનો અધિકાર માનતા માનવીનું વલણ. જીવનના બાગની હરિયાળી છોડીને ઉજ્જડ જમીનને જોતી દૃષ્ટિ. જેને ફૂલને બદલે કાંટા વધુ ગમે છે. જે બધે કાંટા જ શોધે છે, તે નરકમાં વસે છે. સાચા સુખને બદલે ક્ષણિક ભોગને માટે વલખાં મારતો માણસ એટલે નરકનો વાસી. પહેલાં ભીતરના નરકને જોઈએ. પોતે પોતાના જીવનમાં સ્વયં ઊભાં કરેલાં દુઃખોને વળગી રહે તે માનવી એટલે નરકનો માનવી. પોતે પ્રાપ્ત કર્યું હોય તેનો આનંદ હોય નહીં અને જે અસ્થિર છે એનો અજંપો સતત પીડતો હોય છે, આવો નરકવાસી માનવી વિકૃત બનીને જીવન વેડફે છે. સ્વર્ગસમી પૃથ્વી પર રહેતો માનવી પોતાના વિષય-કષાયથી નરકસમું જીવન ગાળે છે. પોતાની લાલસા અને એષણાને ખાતર પૃથ્વીનો માનવી સ્વર્ગને ઠોકર મારે છે. નરકનો એનો શોખ એને સદાનો નરકવાસી બનાવે છે. સ્વર્ગ રચવાની ઇચ્છા હોય તો માનવીએ આટલી બધી હિંસા, હત્યા કે યુદ્ધો શાને માટે કર્યાં? એને જેટલું નરક પસંદ છે, એટલો જ સ્વર્ગ પ્રત્યે ધિક્કાર છે.