જ. 18 ફેબ્રુઆરી, 1926 અ. 22 ડિસેમ્બર, 2010

રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી. 1950ના દાયકામાં ‘ફિલ્મફેર’ સામયિક પ્રમાણે સૌથી સુંદર મહિલા. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ હોવાથી માત્ર છ વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં, દસ વર્ષની ઉંમરે શાળાના કાર્યક્રમમાં અભિનય આપ્યો. ત્યારબાદ રવીન્દ્રનાથ ટાગોરના નાટક ‘શ્રીમતીજી’માં નાયિકાના અભિનયથી લોકપ્રિયતા મેળવી. નિર્દેશક વીરેન્દ્ર દેસાઈએ ‘રાધિકા’ ફિલ્મ દ્વારા નલિનીને મુખ્ય નાયિકા તરીકે સૌપ્રથમ તક આપી અને તેઓ તેમના સૌંદર્ય અને અભિનયથી લોકપ્રિય બન્યાં. ત્યારબાદ મહેબૂબખાનની ‘બહેન’, વીરેન્દ્ર દેસાઈની ‘નિર્દોષ’, આર. એસ. ચૌધરીની ‘આંખમિચૌલી’ તથા ‘અદાબ અર્જ’ ફિલ્મો દ્વારા ફિલ્મક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામ્યાં. ખૂબ જ નાની ઉંમરે વીરેન્દ્ર દેસાઈની સાથે લગ્ન થયાં અને સિને કારકિર્દીમાં રુકાવટ આવી. હિંદી ફિલ્મોમાં કામ ન મળતાં ગુજરાતી ફિલ્મ ‘વારસદાર’માં કામ કર્યું. ત્યારબાદ ધરમસીકૃત ‘અનોખા પ્યાર’ સાથે હિંદી ફિલ્મોમાં પુનઃપ્રવેશ કર્યો. આ પછી ‘આંખે’ અને ‘નૌજવાન’ ફિલ્મોથી ખ્યાતિ પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ અશોકકુમાર સાથે ‘સમાધિ’ અને ‘સંગ્રામ’ ફિલ્મોથી આ જોડી અત્યંત સફળ ગણાવા લાગી. આ કલાકાર-બેલડીની બીજી ફિલ્મો ‘જલપરી’, ‘કાફલા’, ‘ચંચલ’, ‘નૌ બહાર’, ‘સલોની’, ‘લકિરેં’, ‘નાઝ’, ‘મિ. એક્સ’ અને ‘શેરો’ વગેરેનો સમાવેશ થાય છે. ફ્રાન્સના સહયોગથી હિંદી અને અંગ્રેજીમાં એકસાથે બનેલી નલિનીઅભિનીત ‘લાસ્ટ જજમેન્ટ’ ભારતની સૌપ્રથમ ગેવા કલરની ફિલ્મ હતી. નવકેતનનિર્મિત ‘કાલા પાની’ના અભિનય માટે 1959નો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ મળેલો. આ ઉપરાંત દેવ આનંદ સાથેની ‘હિન્દુસ્તાન હમારા’ અને ‘રાહી’, ફિલ્મીસ્તાનની ‘નાસ્તિક’ અને ‘મુનીમજી’, ‘હમ સબ ચોર હૈ’ તથા ‘શિકસ્ત’ ઉલ્લેખનીય છે. તેમનાં પ્રથમ લગ્ન વીરેન્દ્ર દેસાઈ સાથે થયેલાં અને બીજાં લગ્ન અભિનેતા પ્રભુ દયાલ સાથે થયેલાં. તેમણે 1961માં ‘અમર રહે યહ પ્યાર’ અને 1965માં ‘બૉમ્બે રેસકોર્સ’ ફિલ્મો બાદ ક્ષેત્રસંન્યાસ લીધો હતો. 2005માં તેમને દાદાસાહેબ ફાળકે એકૅડેમી લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત થયો હતો.
રાજશ્રી મહાદેવિયા
