જ. 21 નવેમ્બર, 1916 અ. 6 ફેબ્રુઆરી, 1948

વીર યોદ્ધા જદુનાથસિંહનો જન્મ ઉત્તરપ્રદેશના ખજૂરી ગામે થયો હતો. પિતા બીરબલસિંહ અને માતા યમુના કંવર. ગામની શાળામાં ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો. કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડ્યો અને ખેતીના કામમાં લાગ્યા. તેમને કસરત અને કુસ્તીનો ભારે શોખ હતો. તેઓ નિયમિત વ્યાયામ કરતા અને દિવસમાં ત્રણ વખત દૂધ પીતા. નબળી આર્થિક સ્થિતિને કારણે ભાભીએ દૂધ બાબતમાં મહેણું મારતાં તેમણે ઘરનો ત્યાગ કર્યો અને બ્રિટિશ હિંદની સેનામાં જોડાયા. લશ્કરી તાલીમ મેળવી 21 નવેમ્બર, 1941ના રોજ બ્રિટિશ હિંદ સેનાની 7મી રાજપૂત રેજિમેન્ટમાં જોડાયા. 1942માં બર્માના અરાકનમાં જાપાન વિરુદ્ધ યુદ્ધમાં તેઓ બહાદુરીપૂર્વક લડ્યા. આઝાદી પછી પહેલી રાજપૂત રેજિમેન્ટમાં નાયક બન્યા.
6 ફેબ્રુઆરી, 1948ના રોજ સવારે 6:40 કલાકે પાકિસ્તાની સેનાએ તૈનધાર ટેકરી પર હુમલો કર્યો, જે અસફળ રહ્યો. પાકિસ્તાની સૈન્યએ ટેકરીની ડાબી બાજુએથી હુમલો કર્યો. સામસામે ગોળીબાર થયા, જેમાં આપણા ચાર જવાનો ઘાયલ થયા. હુમલો અસફળ રહ્યો આથી પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. આ હુમલામાં આપણા બીજા બે જવાનો ઘવાયા. જદુનાથસિંહ ચોકી છોડીને મશીનગન લઈને દુશ્મન સેના તરફ ગયા. ગોળીઓ ખૂટી પડતાં હૅન્ડગ્રેનેડ્સથી હુમલો કર્યો અને દુશ્મનોને હરાવ્યા. ટુકડીના નવ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થતાં ચોકીની જવાબદારી જદુનાથસિંહ પર આવી. જદુનાથસિંહને જમણા ખભા અને જમણા પગમાં ગોળી વાગી. પાકિસ્તાની સેનાએ ફરીથી હુમલો કર્યો. તેણે મશીનગન લઈને ચોકીની બહાર આવી ગોળીબાર શરૂ કર્યો. દુશ્મનની ગોળી તેમની છાતી પર વાગી છતાંય લડતા રહ્યા. દારૂગોળો ખૂટી પડતાં દુશ્મનોની પાસે જઈ હાથોહાથની લડાઈ કરી. એક દુશ્મનની તલવાર લઈ ઘણાને ઘાયલ કર્યા અને માર્યા. વળી દુશ્મનની મશીનગન હાથમાં આવતાં ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ઘાયલ દુશ્મનો મેદાન છોડીને ભાગ્યા. અચાનક બે ગોળીઓ આવી અને ખોપરીમાં અને ફેફસાંમાં વાગી. આઠ ગોળીઓથી વીંધાયેલા બહાદુર જવાને પ્રાણ ત્યાગ્યા. છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો સાથે લડતા રહી અપ્રતિમ પરાક્રમ કરવા બદલ 1950માં ભારત સરકારે પરમવીરચક્ર (મરણોત્તર) એનાયત કરી તેમને સન્માનિત કર્યા.
અનિલ રાવલ
