નારાયણ ગુરુ


જ. ૨૦ ઑગસ્ટ, ૧૮૫૪ અ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૮

કેરળના સમાજસુધારક સંતનો જન્મ ચેમ્પાઝન્તી ગામે એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા મલયાળમ અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. વૈદ્ય હોવાથી ઘણા લોકો તેમની પાસે ઉપચાર માટે આવતા. લોકો તેમને લાડમાં ‘નાણુ’ કહેતા. ઘરનું વાતાવરણ સંસ્કારી હતું. તેમની માતાનું તેમની બાલ્યાવસ્થામાં જ અવસાન થયું હતું. તેમણે રામન પિળ્ળૈ નામના વિદ્વાન પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૭૬થી ૧૮૭૯ના ત્રણ વર્ષમાં તેમણે તમિળ, સંસ્કૃત ભાષા તથા વેદાન્તનું અધ્યયન કર્યું. પિતા પાસેથી આયુર્વેદનું શિક્ષણ મેળવ્યું. ચટ્ટામ્પિ સ્વામી તથા તૈક્કડ અય્યુવૂ યોગીઓના માર્ગદર્શન નીચે યોગનો અભ્યાસ કર્યો. કન્યાકુમારીમાં મરુતવાભલૈ નામના સ્થળે પિલ્લાથાઈમ ગુફામાં તેમણે ઘોર તપસ્યા કરી. પછી સમાજજીવનના નિરીક્ષણ માટે તમિળનાડુ તથા કેરળમાં વિવિધ સ્થળે યાત્રા કરી. નારાયણે સમાજસુધારાનું કાર્ય શરૂ કર્યું. તેમણે પહેલું કાર્ય અસ્પૃશ્યો માટે મંદિરનું નિર્માણ કર્યું. અરુવિપ્પુરમ્ ગામે નેપ્યાર નદીના કાંઠે ૧૮૮૮માં શિવાલય બનાવ્યું અને ત્યાં પોતાનો સ્થાયી આશ્રમ સ્થાપ્યો. તેમણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને આવકાર્યા. તેમાં શિક્ષણ અને આરોગ્યને પ્રથમ સ્થાન આપ્યું. તેમણે ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં. અસ્પૃશ્ય વર્ગને સંન્યાસ લેવાની સગવડ કરી આપી. ૧૮૯૪માં ગુરુના આશ્રમમાં કુમારન્ આશન જોડાયા. પાછળથી તે મલયાળમ ભાષાના મહાકવિ કહેવાયા. ૧૮૯૭માં ગુરુએ અરુવિપ્પુરમમાં મલયાળમ ભાષામાં વેદાન્તના મહાગ્રંથ ‘આત્મોપદેશતકમ’ની રચના કરી. ‘સદાચાર એ જ સાચો ધર્મ’ – એમ તેમણે લોકોને શીખવ્યું. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરેલી. ૧૯૨૨માં રવીન્દ્રનાથ ટાગોરે અને ૧૯૨૫માં ગાંધીજીએ પણ આશ્રમની મુલાકાત લીધેલી. જીવનના અંતિમ વર્ષ સુધી તેઓ પ્રવૃત્તિશીલ રહેલા. બરકમ ગામે મહાસમાધિપૂર્વક તેમણે દેહત્યાગ કર્યો હતો.