નારાયણ મલ્હાર જોશી


જ. ૫ જૂન, ૧૮૭૯ અ. ૩૦ મે, ૧૯૫૫

ભારતના મહાન શ્રમિક નેતા, સમાજસુધારક અને સ્વતંત્રતાસંગ્રામના સૈનિક નારાયણ મલ્હાર જોશી કે જે નાનાસાહેબ જોશી તરીકે પણ ઓળખાય છે. તેમણે શ્રમિક આંદોલન અને સામાજિક સેવાઓના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના કોલાબા (હાલનું રાયગઢ) જિલ્લાના ગોરેગાંવ ખાતે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પુણેની ડેક્કન કૉલેજમાંથી શિક્ષણ લીધું અને ૧૯૦૧માં બી.એ.ની ડિગ્રી મેળવી હતી. શરૂમાં તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા, પરંતુ પછી તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી’માં ૧૯૦૯માં જોડાયા. ૧૯૧૧માં જોશીએ મુંબઈમાં ‘સોશિયલ સર્વિસ લીગ’ની સ્થાપના કરી. આ સંસ્થા ભૂકંપ, પૂર, રોગચાળો જેવી વિપદાઓમાં રાહત કામગીરી તેમજ ગરીબો માટે કલ્યાણકારી કામગીરી કરતી હતી. તેમણે શ્રમિક કલ્યાણ માટે અનેક કાયદાકીય સુધારાઓમાં ભાગ લીધો જેમાં ફૅક્ટરી ઍક્ટમાં સુધારાઓ, વર્કમૅન કૉમ્પેન્સેશન ઍક્ટ, ઇન્ડિયન ટ્રેડ યુનિયન ઍક્ટ, પેમેન્ટ ઑફ વેજેસ ઍક્ટ સામેલ છે. આ ઉપરાંત તેમણે ૧૯૧૯માં વિદેશમાં યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ૧૯૨૦માં લાલા લાજપતરાય સાથે મળીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ’(AITUC)ની સ્થાપના કરી હતી અને તેઓ ૧૯૨૫થી ૧૯૨૯ દરમિયાન સંગઠનના મહાસચિવ રહ્યા. આ ઉપરાંત તેઓ બૉમ્બે પ્રાંતીય કૉંગ્રેસ સમિતિના અને પીપલ્સ વૉલન્ટિયર બ્રિગેડના અગ્રણી સભ્ય પણ હતા. ૧૯૩૧માં તેમણે ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ છોડીને ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન ફેડરેશન’ની સ્થાપના કરી. તેઓ એક સક્રિય લેખક અને પત્રકાર પણ હતા. તેમણે ‘જ્ઞાનપ્રકાશ’ અને ‘કામગાર સમાચાર’ નામનાં સાહિત્યિક અને શ્રમિક પત્રોનું સંપાદન કર્યું. તેમણે ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૨ના રોજ મજૂરો માટે ‘સહકારી મનોરંજન મંડળ’ની સ્થાપના કરી. ૧૯૩૦ અને ૧૯૩૨માં ગોળમેજી પરિષદમાં પણ તેમણે હાજરી આપી હતી. તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને લીધે ૧૯૮૦માં તેમના સન્માનમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.