જ. ૮ જુલાઈ, ૧૯૩૮ અ. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨

ગુજરાતી સાહિત્યના હાસ્યલેખક નિરંજન ત્રિવેદીનો જન્મ સાવરકુંડલામાં થયો હતો. મૂળ વઢવાણના વતની નિરંજનભાઈનો ઉછેર અમદાવાદમાં રાયપુર-ખાડિયામાં થયો હતો. તેમનું શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું હતું. તેમણે બી.એ. અને એલએલ.બી.ની પદવી પણ અમદાવાદમાં જ મેળવી હતી. તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી. બાળપણથી જ તેમને વાચન અને સંગીતનો શોખ હતો. ખાડિયામાં પંડિત દામોદર શાસ્ત્રી જુદા જુદા રાગમાં ચોપાઈ સંભળાવતા. આથી એમનામાં શાસ્ત્રીય રાગોની સમજ વિકસી. તેમના પિતાને પણ સંગીતનો શોખ હતો. તેઓ પોતે હાર્મોનિયમ વગાડતા. નિરંજનભાઈ ભાઈશંકર નાનાલાલ લાઇબ્રેરીમાં વાંચવા જતા. સાંજ પડે ત્યાં સુધી વાંચતા. ક્યારેક તો લાઇબ્રેરી બંધ કરવાનો સમય થાય ત્યારે ચોકીદાર તેમને પકડીને ઊભા કરે ત્યારે ત્યાંથી નીકળતા. તેમણે થોડો સમય મિલમાં કામ કર્યું. શરૂઆતમાં મિલમાં મિલમજૂર તરીકે બદલી ભરતા. પછી ઇલેક્ટ્રિક ખાતામાં કૂલી તરીકે કામ કર્યું. એ પછી પશુપાલન ખાતામાં ક્લાર્કની નોકરી મળી. એ પછી સેન્ટ્રલ બૅન્કમાં જોડાયા. બૅન્કના ઇન્ટરવ્યૂ વખતે એમની સેન્સ ઑવ્ હ્યુમર કામ આવી અને નિમણૂક થઈ. બૅન્કમાં ફિલ્ડ ઑફિસરમાંથી મૅનેજર બન્યા. તેમના વિનોદભર્યા અને આત્મીયતાસભર સ્વભાવને કારણે તેઓ બધાંના પ્રિય બની રહ્યા. તેઓ પોતાને એન.આર.કે. એટલે કે નૉન રેસિડન્ટ કાઠિયાવાડી કહેવામાં ગર્વ અનુભવતા. તેઓ કહેતા કે જો હું મારી આત્મકથા લખીશ તો તેનું શીર્ષક ‘મજૂરથી મૅનેજર’ રાખીશ, પરંતુ કમનસીબે તેમની પાસેથી આત્મકથાનું પુસ્તક પ્રાપ્ત થયું નહીં. બાળક જેવા નિર્દોષ, સદાય પ્રસન્ન અને ઓછા શબ્દોમાં કટાક્ષ દ્વારા સર્જન કરનાર નિરંજન ત્રિવેદીએ વર્તમાનપત્રમાં ‘અવળીગંગા’ કટારલેખન કર્યું હતું. ‘વ્યંગાવલોકન યાને…’, ‘પહેલું સુખ તે જાતે હસ્યા’, ‘નીરખ નિરંજન’, ‘સરવાળે ભાગાકાર’, ‘કોના બાપની હોળી’, ‘માર ખાયે સૈયા હમારો’ સહિત દસેક પુસ્તકો તેમણે આપ્યાં છે. ‘સરવાળે ભાગાકાર’ પુસ્તકનો દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના એસ.વાય.બી.એ.માં પાઠ્યપુસ્તક તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનાં ચાર પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ
