પંડિત ઓમકારનાથ ઠાકુર


જ. ૨૪ જૂન, ૧૮૭૯ અ. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૭

ભારતના શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાનાના મહાન ગાયક, સંગીતજ્ઞ. પંડિતજીનો જન્મ શિવઉપાસક દંપતી ગૌરીશંકર તથા ઝવેરબાને ત્યાં થયો હતો. પિતાનું અકાળે અવસાન અને વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે બાળપણમાં રામલીલામાં કલાપ્રસ્તુતિની નોકરી સ્વીકારી. ત્યાં શ્રેષ્ઠી શાપુરજીની નજરમાં આવતાં એમને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજી પાસે સંગીતની તાલીમ અપાવવાની સગવડ કરી આપવામાં આવી. ઓમકારનાથજીની સંગીત પ્રત્યેની નિષ્ઠા, ખંત અને નિપુણતા જોતાં તાલીમને અંતે પલુસ્કરજીએ પંડિતજીના લાહોર ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં આચાર્યપદે નિમણૂક કરી, સાથે ભારત તથા યુરોપમાં પંડિતજીએ અનેક કાર્યક્રમો આપ્યા. પંડિતજીએ ગાયનમાં પલુસ્કરજીની સાથે ઉસ્તાદ રહેમત ખાનની ગાયનશૈલી પણ અપનાવી હતી. પંડિતજી ખયાલશૈલીની સાથે ધ્રુપદ-ધમાર તેમ જ ઠૂમરી પણ અદભુત રીતે પ્રસ્તુત કરતા. શાસ્ત્રીય સંગીતની શુદ્ધતા જાળવીને હૃદયને સ્પર્શે એવી પોતાની આગવી શૈલીમાં ભજન ગાયન એ પંડિતજીની ઓળખ બની હતી. પંડિતજીનો ગાયેલો રાગ નીલાંબરી, માલકોશમાં ‘પગ ઘૂંઘર બાંધ’, ભૈરવીમાં ‘જોગી મત જા’ તેમ જ કવિ શ્રી ન્હાનાલાલની રચના ‘વિરાટનો હિંડોળો’ સંગીતના ભાવકો માટે સાંગીતિક તૃપ્તિની સાથે એક તરસ છોડી જનાર કલાકૃતિ સમાન હતાં. તેઓ કુશળ તરવૈયા પણ હતા. પંડિતજીનાં પત્ની ઇંદિરા દેવી તેમજ નવજાત સંતાનના અવસાન બાદ પંડિતજીએ તોડી રાગને સદાને માટે તિલાંજલિ આપી. પંડિતજી સંગીતના મર્મજ્ઞ, પ્રકાંડ પંડિત હતા. સંસ્કૃત, હિન્દી, વેદો, શાસ્ત્રોના જ્ઞાતા અને અભ્યાસી હતા. ‘પ્રણવ રંગ’ તખલ્લુસથી એમણે અનેક શાસ્ત્રીય બંદિશોની રચના કરી. ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ છ ભાગમાં તેમજ ‘પ્રણવભારતી પંડિતજીરચિત પુસ્તકો છે. પદ્મશ્રી અને અનેક સન્માનોથી તેમને નવાજવામાં આવ્યા હતા. પંડિતજીની જન્મશતાબ્દીએ ભારત સરકાર દ્વરા એમની સ્ટૅમ્પ પ્રકાશિત કરવામાં આવી હતી. બુલંદ છતાં મીઠા સુરીલા અવાજ, સંગીતના જ્ઞાન અને સેવા માટે પંડિત ઓમકારનાથ ઠાકુર સદાય યાદ રહેશે.