જ. 5 નવેમ્બર, 1926 અ. 15 ફેબ્રુઆરી, 1991

બલરામ પાઠકનો જન્મ બલિયા, ઉત્તરપ્રદેશમાં થયો હતો. તેમના કુટુંબે સંગીતના ક્ષેત્રે ખૂબ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમના દાદાજી પંડિત દીનાનાથ પાઠક ઉત્તર ભારતીય સંગીતના ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. પંડિત બલરામ પાઠક ઉત્તર ભારતના સર્વોત્તમ સિતારવાદક હતા. બાળપણથી જ તેઓને કુટુંબના વડીલો પાસેથી સંગીતનો વારસો મળેલો. તેમનો ઉછેર સંગીતના માહોલમાં થયો હતો. આથી બાળપણથી તેઓ સિતાર અને સૂરબહાર જેવાં વાદ્યોનું શિક્ષણ તેમના પિતાજી પાસેથી પામ્યા હતા. દસ વર્ષની વયે પણ તેઓ દિવસનો મોટો ભાગ સંગીતની સાધનામાં ગાળતા. તેઓ સૂરસિંગાર જેવાં વાદ્ય તથા કંઠ્ય સંગીત શીખ્યા હતા. પશ્ચિમ બંગાળમાં આવેલ મુરશિદાબાદમાં તેઓએ 12 વર્ષની વયે કાર્યક્રમ આપ્યો હતો. જે તેમનો સૌપ્રથમ જાહેર કાર્યક્રમ હતો. તેમના સંગીતમાં નવીનતા અને સંપૂર્ણતા હતી. તેઓ સંગીતમાં આલાપ મીંડ, મુખડા, ગમક, ઝમઝમ, ઉલ્ટા ઝાલાથી અદ્ભુત સંગીતનું સર્જન કરતા હતા. નાની વયે તેઓ મહારાજા કમલા રંજન રૉયના દરબારના સંગીતકાર બન્યા હતા. તેમની વાદ્યકળાથી તેઓ ધ્રુપદ અને ખયાલની ખૂબીઓ પ્રસ્તુત કરી શકતા હતા. તેમણે અનોખી અને અનેરી અદાથી ઘણા સિતારવાદકોને મોહિત કર્યા હતા. તેઓને કૉલકાતાના સંગીતસમારોહમાં સૂર-સાધક તરીકે સન્માન મળ્યું હતું. તેઓ અઘરા અને વિરલ રાગ ખૂબ સરળતાથી ગાઈ શકતા હતા. આથી સંગીતરસિકોના મનમાં તેઓ ઉચ્ચસ્થાને હતા. મધ્યપ્રદેશની ખૈરાગર યુનિવર્સિટીમાં તેમણે સંગીત શાખાના વડા તરીકે કામગીરી બજાવી હતી. સારા સંગીતકાર ઉપરાંત તેઓ બાળસહજ શુદ્ધતા, સાદગી અને નિર્દોષપણું ધરાવતા હતા.
અંજના ભગવતી
