જ. ૧૨ જૂન, ૧૯૩૨ અ. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૬

ભારતીય સિનેમાનાં જાણીતાં અભિનેત્રી અને નૃત્યાંગના દક્ષિણ ભારતના તિરુવનંતપુરમ્માં જન્મ્યાં હતાં. તેઓને બીજી બે બહેનો લલિતા અને રાગિણી હતી. નાની ઉંમરથી જ વિધિવત્ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તેઓએ તાલીમ લીધી હતી, ત્યારબાદ તેઓ કથકલી નૃત્ય પણ શીખ્યાં હતાં. તેઓ ત્રણે બહેનો ત્રાવણકોર સિસ્ટર્સ તરીકે પણ ઓળખાતાં હતાં. ૧૬ વર્ષની ઉંમરે પદ્મિનીને હિન્દી ફિલ્મ ‘કલ્પના’માં નૃત્યાંગનાનો અભિનય કરવાની તક મળી હતી, ત્યારથી તેની કારકિર્દીનો આરંભ થયો. ત્યારબાદ તેઓને તમિળ, તેલુગુ, મલયાળમ અને હિન્દી – આ બધી ભાષાઓની ફિલ્મોમાં તક મળી. ચારેય ભાષા પરનો કાબૂ તથા સુંદર નૃત્યાંગના હોવાથી તેઓ ફિલ્મોમાં સહજ રીતે અભિનય કરતાં. ૧૯૫૦ની સાલમાં તેઓે ‘એઝાઇ પદુમ પદુ’ નામની તમિળ ફિલ્મમાં પ્રખ્યાત હીરો શિવાજી ગણેશન સાથે કામ કર્યું હતું. ત્યારબાદ શિવાજી ગણેશન સાથે તેમની સૌથી વધુ સફળ ફિલ્મ ‘થિલાના મોહનમ્બલ’ હતી, જેને માટે તેઓને ૧૯૭૦ની સાલમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નો તમિળનાડુ સ્ટેટ ફિલ્મ ઍવૉર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તેઓએ દક્ષિણ ભારતના બીજા અભિનેતા એન. ટી. રામારાવ, એમ. જી. રામચન્દ્રન અને હિન્દી સિનેમાના રાજ કપૂર, શમ્મી કપૂર, સંજીવકુમાર, રાજકુમાર જેવા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું. ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’ માટે તેમને ૧૯૬૦માં ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. ભારત-ચીન યુદ્ધ દરમિયાન તેઓ આર્મી કૅમ્પમાં જઈને પોતાની નૃત્યકલાથી સૈનિકોનું મનોરંજન કરતાં હતાં. તેઓએ રાજકારણમાં પણ રસ લીધો હતો. ૧૯૬૧માં ડૉ. કે. ટી. રામચન્દ્રન સાથે લગ્ન કરી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં. ત્યાં તેઓએ શાસ્ત્રીય નૃત્ય માટેની સ્કૂલ ખોલી હતી. તેઓને ફિલ્મફેર, લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ અને બીજા ઘણા ઍવૉર્ડ મળ્યા હતા.
અંજના ભગવતી