પરમાનંદ કુંવરજી કાપડિયા


જ. ૧૮ જૂન, ૧૮૯૩ અ. ૧૭ એપ્રિલ, ૧૯૭૧

સમાજસુધારક અને નિર્ભીક પત્રકાર પરમાનંદ કાપડિયાનો જન્મ રાણપુરમાં થયો હતો. તેમના પિતાશ્રી તત્ત્વજ્ઞાનના નિષ્ણાત હતા અને અનેક જિજ્ઞાસુઓ તેમની પાસે જ્ઞાન લેવા આવતા. સંસ્કારસંપન્ન વાતાવરણમાં ઊછરેલા પરમાનંદ કાપડિયાએ ૧૯૧૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૧૬માં એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સત્યના આગ્રહી હોવાથી વકીલાત ક્ષેત્રે લાંબું ટક્યા નહીં. ત્યારબાદ તેમણે ઝવેરાતનો વ્યવસાય કર્યો. તે સમયે જૈન સમાજમાં ચાલ્યા આવતા પરંપરાગત રીતરિવાજો, બાળદીક્ષા, દેવદ્રવ્ય અને અનિષ્ટ વ્યવહારો સામે અવાજ ઉઠાવ્યો. તેમણે આ અંગે વિરોધ વ્યક્ત કરતાં અનેક ભાષણો આપ્યાં. પિતાશ્રીના તંત્રીપદે ચાલતા ‘જૈન પ્રકાશ’માં ‘કલાવિહીન ધાર્મિક જીવન’ અંગે અઢાર હપતાની લેખમાળા પ્રકાશિત કરી. તેમણે ૧૯૨૮માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી અને તેના દ્વારા આંદોલનો ચલાવ્યાં. તેમણે ‘તરુણ જૈન’ (૧૯૩૪-૧૯૩૭) સામયિક ચલાવ્યું અને ત્યારબાદ ૧૯૩૭માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક ‘પ્રબુદ્ધ જૈન’ તેમના તંત્રીપદે શરૂ થયું. આ સામયિક દ્વારા તેમની પત્રકાર તરીકેની અને તર્કબદ્ધ અભિવ્યક્તિની શક્તિનો પરિચય થયો. ‘પ્રબુદ્ધ જૈન’ ૧૯૫૩થી ‘પ્રબુદ્ધજીવન’ના નામે પ્રકાશિત થાય છે જે અત્યારે પણ ચાલુ છે. તેમની પત્રકાર તરીકેની સફળ કારકિર્દીને કારણે સૌરાષ્ટ ટ્રસ્ટે તેમને ‘યુગદર્શન’ નામના માસિકનું સંપાદન સોંપ્યું હતું. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ નિમાયા હતા. ‘જૈન ધર્મનું હાર્દ’ અને ‘જૈન યુવક પ્રવૃત્તિ’ વિશે મારી દૃષ્ટિમાં તેમના વિચારોની વિશદતા જોવા મળે છે. આ ઉપરાંત ‘સત્ય શિવ સુંદરમ્’ તેમનો લેખસંગ્રહ છે. તેમના મૃત્યુ પછી તેમના લેખો અને પત્રોનું સંકલન ‘ચિંતનયાત્રા’ નામના પુસ્તકમાં થયું છે. ૧૯૩૨થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ કરી જે આજે પણ ચાલે છે. જીવનભરની તેમની જ્ઞાનોપાસના અને સેવાને પુરસ્કારવા મુંબઈ જૈન યુવક સંઘે તેમના સભાગૃહને ‘પરમાનંદ કાપડિયા સભાગૃહ’ નામ આપ્યું છે.