જ. ૧૦ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૨૪ મે, ૧૯૭૭

‘પિનાકપાણિ’, ‘રાજહંસ’ અને ‘સૌજન્ય’ જેવાં તખ્ખલુસ ધરાવતા ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર પીતાંબર પટેલનો જન્મ મહેસાણાના શેલાવી ગામે થયો હતો. પિતાનું નામ નરિંસહભાઈ. તેમણે પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં લીધું હતું. કડીની સર્વ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી ૧૯૩૬માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૪૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. થયા અને ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. કર્યું. ૧૯૫૬થી કેટલાંક વર્ષ આકાશવાણી અમદાવાદમાં કામ કર્યું. તે ભવાઈમંડળના પ્રણેતા હતા. તેમણે અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. ‘સંદેશ’ અખબારના તંત્રીવિભાગ સાથે પણ જોડાયેલા હતા. તેમણે ફિલ્મનિર્માણ પર પણ હાથ અજમાવ્યો હતો. તેમના લેખન ઉપર પન્નાલાલ પટેલ અને પેટલીકરનો ખૂબ પ્રભાવ હતો. તેમની જાણીતી નવલકથાઓમાં ‘રસિયો જીવ’, ‘પરિવર્તન’, ‘ઊગ્યું પ્રભાત’, ‘ખેતરને ખોળે’, ‘તેજરેખા’, ‘આશાભરી’, ‘અંતરનાં અજવાળાં’, ‘ચિરંતન જ્યોત’, ‘ધરતીનાં અમી’, ‘કેવડિયાનો કાંટો’ મુખ્ય છે. પીતાંબર પટેલ મુખ્યત્વે પ્રાદેશિક નવલકથાકાર હતા. તેમની નવલકથાઓમાં ગુજરાતના સમાજજીવનનું વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયાસ થયો છે. તેમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ દૃષ્ટિગોચર થાય છે. નવલિકા ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી ગ્રામજીવન સમાજજીવન, શહેરીજીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો તેમાં આવરી લેવામાં આવ્યા છે. ‘વગડાનાં ફૂલ’, ‘મિલાપ’, ‘શ્રદ્ધાદીપ’, ‘કલ્પના’, ‘છૂટાછેડા’, ‘શમણાંની રાખ’, ‘સૌભાગ્યનો શણગાર’, ‘નીલ ગગનનાં પંખી’, ‘રૂડા સરોવરિયાની પાળ’, ‘સંતનો દીવો’, ‘ઝૂલતા મિનારા’ તેમની જાણીતી નવલિકાઓ છે. ‘ભારતનાં નવાં યાત્રાધામો’ તેમના દ્વારા લખાયેલ પ્રવાસગ્રંથ છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે. વાર્તામાસિક ‘આરામ’નું સંપાદન તેમણે ઘણાં વર્ષો સુધી સફળતાપૂર્વક કર્યું હતું.
અમલા પરીખ
