વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે. આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નરકનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે. મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્તિ વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપ કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !
કુમારપાળ દેસાઈ
