જ. ૨૩ જૂન, ૧૯૨૩ અ. ૨૮ નવેમ્બર, ૧૯૭૫

જાણીતા ભાષાવિજ્ઞાની. ભાવનગર જિલ્લાના વળા ગામમાં તેમનો જન્મ. તેમણે અમદાવાદ અને અમરેલીમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૩૯માં મૅટ્રિક થયા. ૧૯૪૨ની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને છ મહિના જેલવાસ પણ ભોગવ્યો હતો. સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા વિષયો સાથે ૧૯૪૪માં બી.એ. થયા. ૧૯૪૬માં સંસ્કૃત અને ભાષાશાસ્ત્રના વિષય સાથે ભારતીય વિદ્યાભવનમાંથી એમ.એ. થયા. વધુ અભ્યાસ માટે લંડન ગયા અને સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં જોડાયા. ‘ષડાવશ્યક બાલાવબોધ વૃત્તિ’ ઉપર રાલ્ફ લિલી ટર્નરના માર્ગદર્શન હેઠળ સંશોધન કરીને ૧૯૫૦માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ભાષાશાસ્ત્રમાં રુચિ કેળવાતી ગઈ. જુલ્સ બ્લોચના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી વિવિધ ભારતીય બોલીઓનો અભ્યાસ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. તેમની શૈક્ષણિક કારકિર્દી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી શરૂ થઈ. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ભાષાશાસ્ત્રના અધ્યાપક, પુણેની ડેક્કન કૉલેજમાં પણ અધ્યાપન કરાવ્યું. દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભાષાશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. વિદેશમાં પણ અનેક યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે રહ્યા અને ત્યાં પણ ભાષાશાસ્ત્રવિષયક અધ્યાપન કરાવ્યું. ગુજરાતી સાહિત્યમાં ભાષાવિજ્ઞાનના શુદ્ધ અભિગમથી કાર્ય કરનાર પ્રબોધભાઈ પંડિતે ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ (૧૯૬૬), ‘ભાષાવિજ્ઞાનના અર્વાચીન અભિગમો’ (૧૯૭૩), ‘પંચરંગ સમાજમાં ભાષા’ (૧૯૮૩) વગેરે ભાષાવિજ્ઞાનને લગતા મહત્ત્વના ગ્રંથો આપ્યા છે. તેમનું પુસ્તક ‘ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન’ને ૧૯૬૭માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી ભાષા અને ભાષાશાસ્ત્રમાં યોગદાન આપવા માટે ૧૯૭૩માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
નલિની દેસાઈ