પોલૅન્ડમાં હાફૅઝ ચાઇમ નામના ધર્મગુરુ વસતા હતા. આ ધર્મગુરુ અપરિગ્રહનો આદર્શ મનાતા હતા. એમનું જીવન સાવ સીધું-સાદું અને જરૂરિયાતો તદ્દન ઓછી. એમની જીવનશૈલીની વાત સાંભળીને સહુને આશ્ચર્ય થતું. આ તે કેવા ધર્મગુરુ, કે જે ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવે. એક બાજુ ભૌતિક માનવી ચીજ-વસ્તુઓના ખડકલા કરીને જીવતો હોય, એના વગર એનું જીવન ચાલે નહીં, ત્યાં આ ધર્મગુરુની વાત સહુને આશ્ચર્યકારક લાગતી. એક અમેરિકને હાફૅજ ચાઇમની નામના સાંભળી. એને ધર્મગુરુના દર્શનની ઇચ્છા જાગી અને શોધતો શોધતો પોલૅન્ડમાં એ યહૂદી ધર્મગુરુના ઘરમાં આવી પહોંચ્યો. એનું ઘર જોઈને અમેરિકન પ્રવાસી અતિ આશ્ચર્ય પામ્યો. આ તે કેવું ઘર ? જ્યાં ન કોઈ ટેબલ-ખુરશી મળે, ન કોઈ જરૂરી સામાન દેખાય. ઘરની દીવાલો સાવ કોરી, ક્યાંય કશો શણગાર નહીં ! પ્રવાસી અમેરિકને આશ્ચર્ય સાથે ધર્મગુરુને પૂછ્યું, ‘અરે, આ તો આપનું નિવાસસ્થાન છે. સેંકડો લોકો આપને મળવા આવે છે અને આપ એને જીવનનો સાચો રાહ બતાવો છો, પણ ઘરમાં કેમ કશું રાખતા નથી ?’ હાફૅઝ ચાઇમે કહ્યું, ‘છે ને, આ મારા જીવનસંગાથી જેવાં પુસ્તકો છે, પછી બીજું જોઈએ શું ?’ ‘એ તો ઠીક, પણ ઘરમાં ફર્નિચર તો હોવું જોઈએ ને ! આપના માટે અને આવનારને માટે તો એની જરૂર પડે ને ! સંત હાફૅઝે વળતો પ્રશ્ન કર્યો, ‘મારી વાત છોડ, પણ તારી વાત કહે, તારું ફર્નિચર ક્યાં છે ?’ ‘મારું ફર્નિચર, મારા જેવા પ્રવાસીની સાથે ફર્નિચર ક્યાંથી હોય ? હું કઈ રીતે મારી સાથે રાચરચીલું રાખું ? આજે અહીં, તો કાલે બીજે.’ ‘બસ, ભાઈ, હું પણ આવો જ આ દુનિયાનો પ્રવાસી છું.’
કુમારપાળ દેસાઈ
