જ. ૨૯ જૂન, ૧૮૯૩ અ. ૨૮ જૂન, ૧૯૭૨

ભારતીય અર્થતંત્ર તથા વિજ્ઞાનને આગવો આકાર આપનાર પ્રશાંતચંદ્ર ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી તેમજ ખ્યાતનામ આંકડાશાસ્ત્રી હતા. તેમણે શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ કૉલકાતામાં લીધું હતું. ૧૯૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્યનો આરંભ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૨ સુધી પ્રાધ્યાપક તરીકે, ૧૯૨૨થી ૧૯૪૮ સુધી તે વિભાગના અધ્યક્ષ અને તે જ કૉલેજના આચાર્ય તરીકે કામગીરી બજાવી. આ સાથે તેઓએ અધ્યક્ષ તરીકેની સેવાઓ પણ આ જ યુનિવર્સિટીમાં આપી. ૧૯૪૫થી ૧૯૪૮ સુધી તેઓએ બંગાળની સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે કામ કર્યું. ૧૯૪૯માં ભારત સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે નિમણૂક થઈ. તેમણે કૉલકાતા ખાતે ૧૯૩૧માં ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ની સ્થાપના કરી. આ સંસ્થાએ આંકડાશાસ્ત્રના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. તે પછી ભારતમાં આવાં ઘણાં કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં. પ્રશાંતચંદ્રે ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સચિવ અને નિદર્શક તરીકે રહીને તેનો વિકાસ કર્યો. ભારતને આર્થિક આયોજનના ક્ષેત્રે સાચી સફળતાઓ માટેનો માર્ગ ચીંધ્યો. ૧૯૪૮ પછી તેઓ કલકત્તા યુનિવર્સિટીના સન્માનનીય પ્રાધ્યાપક અને ૧૯૫૫થી ૧૯૬૫ સુધી તેમણે આયોજન પંચના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. યુનાઇટેડ નૅશન્સના આંકડાશાસ્ત્રીય પંચના સભ્ય અને ૧૯૫૪થી ૧૯૫૮ દરમિયાન તેના અધ્યક્ષ તરીકે કામ કર્યું. ૧૯૫૦માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના પણ પ્રમુખ થયા. ૧૯૫૨માં બૅંગકૉક ખાતે મળેલી આંકડાશાસ્ત્રીઓની પરિષદના પ્રમુખ થયા. ભારતમાં પ્રસિદ્ધ એવા આંકડાશાસ્ત્રના સામયિક ‘સાંખ્ય’ના સ્થાપક અને સંપાદક તરીકે આજીવન સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ પછી હોમીભાભા તથા ભટનાગરની જેમ તેઓએ પણ ભારતીય અર્થતંત્રને આગવી રીતે આકાર આપ્યો. ૨૦૦૭થી ૨૯ જૂનને નૅશનલ સ્ટૅટિસ્ટિક્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. તેમની શતાબ્દી નિમિત્તે ભારત સરકારે ટપાલટિકિટ બહાર પાડી હતી. ૧૯૬૮માં તેમને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.
અંજના ભગવતી