એક્સ-રેની કૅન્સર પર થતી અસરના સંશોધનને માટે ઇટાલીના એક્સ-રે વિભાગના તજજ્ઞ મારિયો પોંજિયોએ આ વિષયનાં તમામ પુસ્તકોનો અભ્યાસ કર્યો. જુદાં જુદાં સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો પણ વાંચી ગયા. પોતાના ડૉક્ટર સાથીઓને મળ્યા અને એમને પણ પૂછ્યું કે તમારા કૅન્સરના દર્દીઓ પર એક્સ-રેની કોઈ અસર થતી તમને જોવા મળી છે ખરી? સહુએ સ્વાનુભવ કહ્યા, પરંતુ એમાંથી કોઈ સ્પષ્ટ તારણ નીકળતું નહોતું. આથી મારિયો પોંજિયોએ પોતાની જાત પર આના અખતરા કરીને સાચું તારણ મેળવવા પ્રયાસ કર્યો. આમ કરવા જતાં એને ડાબા હાથની એક આંગળી ઑપરેશન કરીને કપાવવી પડી. મિત્રોએ પોંજિયોને એના દુસ્સાહસમાંથી પાછા ફરવા જણાવ્યું, પરંતુ પોંજિયોએ કહ્યું, ‘‘મને આની કોઈ પરવા નથી. ભલે હાથની એક આંગળી કાપવી પડી હોય, પણ બીજી ચાર આંગળીઓ તો છે ને !’’ પોંજિયોનો પ્રયોગ ચાલુ રહ્યો. આમાં વારંવાર એક્સ-રેને કારણે રેડિયમની વિઘાતક અસર થવાથી એને ડાબા હાથનો થોડો ભાગ અને જમણા હાથનો ભાગ પણ ઑપરેશન કરીને કપાવવો પડ્યો. આ વિઘાતક અસરને પરિણામે પોંજિયોનો દેહ શિથિલ થવા માંડ્યો. એના મિત્રો એના શરીરની આવી દુર્દશા જોઈ શકતા નહોતા, પરંતુ પોંજિયો જ્યાં સુધી પોતાનું સંશોધન પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકે તેમ નહોતો. મિત્રોએ એને રેડિયમથી દૂર રહેવાની સલાહ આપી, ત્યારે ત્યુરિન વિશ્વવિદ્યાલયના રેડિયોલૉજી વિભાગના નિષ્ણાત ડૉક્ટર મારિયો પોંજિયોએ કહ્યું, ‘જીવનની પ્રત્યેક ક્ષણ ધ્યેયપ્રાપ્તિ માટે વપરાય એનાથી બીજું કોઈ મોટું સદભાગ્ય નથી. મારી ધ્યેયપ્રાપ્તિ માટે આ પ્રયોગો અનિવાર્ય હતા. કદાચ એને માટે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું અટકીશ નહીં.’ મારિયો પોંજિયોએ પોતાના પ્રાણની આહુતિ આપીને તબીબી જગતને એક નવી રાહ બતાવી.
કુમારપાળ દેસાઈ
