પ્રિયતમાના ચહેરા જેવો મૃત્યુનો ચહેરો


આખાય જગતમાં પ્રેમીને પોતાની પ્રિયતમાનો ચહેરો સૌથી વધુ સુંદર લાગતો હોય છે. અનેક ચહેરાઓ વચ્ચે જીવતા એને પોતાની પ્રેમિકાનો ચહેરો અદ્વિતીય લાગે છે. એના મુખ ભણી એકીટસે નિહાળવાનું એને ખૂબ પસંદ પડે છે. એને જોઈને એના હૃદયમાં આનંદ ઊમટે છે અને પ્રેમની ધારા વહેવા લાગે છે. જેવો પ્રેમિકાનો ચહેરો છે, એવો જ તમારા મૃત્યુનો ચહેરો છે. એ મૃત્યુને ચાહતાં શીખો. એને સ્નેહથી જોતાં રહો. એને પ્રેમભરી મીઠી નજરે નિહાળો, કારણ કે આ અનિશ્ચિત એવા જીવનમાં સૌથી વધુ નિશ્ચિત મૃત્યુ છે. આપણે અનિશ્ચિત એવા જીવનની ચિંતા કરવાનું છોડીને નિશ્ચિત એવા મૃત્યુથી ચિંતિત રહીએ છીએ. એ નિશ્ચિત મૃત્યુથી આંખમીંચામણાં કરીએ છીએ. એનાથી દૂર ભાગવાની કોશિશ કરીએ છીએ. પરાજય નિશ્ચિત હોવા છતાં મરણિયા થઈને મોતની સામે બાથ ભીડીએ છીએ. એનો સ્વીકાર કરવાને બદલે સતત એનો અસ્વીકાર કરવાનો પ્રયાસ કરીએ છીએ. મોત એ વિકરાળ, ભયાવહ યમદૂત નથી, એ તો પ્રિયતમાનો ચહેરો છે. મૃત્યુના ચહેરાને ભાગ્યે જ કોઈ ભાવથી જુએ છે. એ ચહેરા પરની શાંતિ એની બંધ આંખોમાં જોવા મળે છે. જીવન પ્રત્યેની અનાસક્તિ જ એના સ્થિર કપાળ પર નજરે પડે છે. જગતની પીડા, સંસારનાં દુ:ખો અને આધિ, વ્યાધિ અને ઉપાધિની પળોજણની મુક્તિની રેખાઓ એના સ્થિર મુખારવિંદમાં જોઈ શકાય છે. એ અવસરને આનંદભેર ભેટનારાના ચહેરા પર પ્રસન્નતાનું તેજ વિખરાયેલું હોય છે. આ અવસરને વિરહની વેદના માનનારના ચહેરા પર ઘેરી કાલિમા લપાઈને બેઠી હોય છે.