જ. ૩૧ જુલાઈ, ૧૮૮૦ અ. ૮ ઑક્ટોબર, ૧૯૩૬

હિન્દી અને ઉર્દૂ સાહિત્યના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય સાહિત્યકાર પ્રેમચંદજીનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમનો જન્મ બનારસના લમહી ગામમાં પોસ્ટ-ઑફિસમાં કારકુન તરીકે કાર્ય કરતા અજાયબલાલ મુનશીને ત્યાં થયો હતો. માતા આનંદીદેવી સ્વરૂપવાન અને સંસ્કારી હતાં. પ્રેમચંદનું બાળપણ ગામડામાં વીતેલું. પહેલાં આઠ વરસ ફારસી ભણ્યા ને પછી અંગ્રેજી. લમહીમાં જ એક મૌલવીસાહેબ પાસેથી થોડું ઉર્દૂ અને ફારસી શીખ્યા. ૧૩ વર્ષની વય સુધીમાં તો તેમણે ઉર્દૂના રતનનાથ સરશાર, મિર્ઝા રુસવા અને મૌલાના શરરને ખૂબ જ વાંચ્યા. સરકારી નોકરી કરતાં કરતાં વાર્તા લખવાની શરૂ કરી ત્યારે ‘નવાબરાય’ એ ઉપનામ રાખેલું. આથી ઘણા તેમને જીવનભર ‘નવાબ’ કહેતા. એમનો પહેલો વાર્તાસંગ્રહ ‘સોજે વતન’ સરકારે જપ્ત કર્યો ત્યારે ‘નવાબરાય’-એ ઉપનામનો ત્યાગ કર્યો અને ‘પ્રેમચંદ’ ઉપનામથી લખવાનું શરૂ કર્યું ને પછી તો એ નામે જ તેઓ ઓળખાયા. સાતેક વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ અને પંદરેક વર્ષના હતા ત્યારે પિતાનું મૃત્યુ થયું. અભ્યાસ માટે તેમને ખૂબ જ સંઘર્ષ કરવો પડેલો. ઈ. સ. ૧૮૯૯માં તેઓ ચુનારની મિશનરી સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. પછી અનેક સ્થળોએ નોકરી કરી. પાછળથી આચાર્ય પણ થયેલા. પ્રારંભમાં તેઓ ગોખલેના શિષ્ય હતા. છેલ્લે ગાંધીજીના પ્રભાવ તળે આવ્યા. પ્રેમચંદજી ભારતની બે મોટી કોમો હિંદુ અને મુસલમાન નજીક આવે તેમ ઇચ્છતા હતા. તેમની પાસેથી અનેક નવલકથાઓ અને સંખ્યાબંધ વાર્તાઓ મળી છે. ‘રૂઠી રાની’, ‘કૃષ્ણ’, ‘સેવાસદન’, ‘નિર્મલા’, ‘ગબન’, ‘કર્મભૂમિ’ વગેરે તેમની નવલકથાઓ છે. ‘ગોદાન ભારતીય નવલકથાના ઇતિહાસમાં સીમાચિહન રૂપ ગણાય છે. તેમણે હિંદી સાહિત્યને વિપુલ પ્રમાણમાં વાર્તાઓ આપી છે. તેમની બધી જ વાર્તાઓ ‘માનસરોવર’(ભાગ ૧-૮)માં સંગૃહીત થઈ છે. તેમની ‘શતરંજ કે ખિલાડી’ વાર્તા પરથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે નાટકો, નિબંધો, જીવનકથાઓ અને અનુવાદો પણ આપ્યાં છે. ૧૯૩૬ના મે માસમાં તેમની અતિ પ્રસિદ્ધ નવલકથા ‘ગોદાન’ બહાર પડી. એ પછી તેમની તબિયત ખૂબ બગડી. એમાંથી ઊઠી ન શક્યા. તેઓ ‘હિંદી સાહિત્યના ગૉર્કી’ કહેવાય છે. તેમના આગમનથી હિંદી કથાસાહિત્યના જગતમાં નવો યુગ શરૂ થયો.
શ્રદ્ધા ત્રિવેદી