ફરી ભૂલ નહીં કરે


વિશાળ આકાશમાં વિમાની ખેલ-કરતબ બતાવવા માટે ટેસ્ટ પાઇલટ બૉમ હુવરની અમેરિકામાં ચોતરફ ખ્યાતિ ફેલાયેલી. એક વાર સાનડિયાગોમાં શો કરીને તેઓ વિમાન ચલાવીને પોતાના ઘેર લૉસ એન્જલસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક 300 ફૂટની ઊંચાઈએ એમનું પ્લેન બંધ થઈ ગયું. મશીનો કામ કરતાં અટકી ગયાં. બૉમ હુવર કુશળ પાઇલટ હોવાથી પ્લેનને મહામહેનતે જમીન પર ઉતારવા સફળ રહ્યા, પરંતુ આમ કરવા જતાં વિમાનને ઘણું મોટું નુકસાન થયું. આવી રીતે ઇમરજન્સી લૅન્ડિંગ કર્યા પછી પાઇલટ બૉમ હુવરે પોતાના અનુભવને આધારે તત્કાળ વિમાનનું બળતણ તપાસવાનું કામ કર્યું. એણે ધાર્યું હતું તેવું જ બન્યું. વિમાનમાં ગેસોલિનના બદલે જૅટનું બળતણ ભર્યું હતું. હવાઈ મથકેથી તેઓ તરત જ વિમાનને સર્વિસ કરનારા મિકૅનિક પાસે પહોંચી ગયા. જ્યારે મિકૅનિકને આ ઘટનાની જાણ થઈ ત્યારે તો એ ધ્રૂજવા લાગ્યો. એને થયું કે એનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, કારણ એટલું જ કે આ અકસ્માતમાં ભલે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ અત્યંત મોંઘી કિંમતનું પ્લેન તૂટી ગયું. હવે શું થશે ? મિકૅનિક ધારતો હતો કે બૉમ હુવર એની ઝાટકણી કાઢશે, તત્કાળ સસ્પેન્ડ કરી દેશે. સહુની હાજરીમાં આકરો ઠપકો આપશે અને શું નું શું થઈ જશે ! પરંતુ બન્યું એવું કે પાઇલટ બૉમ હુવરે આવીને ન તો મિકૅનિક પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો કે ન તો એને આકરો ઠપકો આપ્યો. બલ્કે એના ગળા પર પ્રેમથી હાથ વીંટાળીને કહ્યું, ‘હવે મને ખાતરી થઈ ચૂકી છે કે તું ક્યારેય આવી ગંભીર ભૂલ નહીં કરે. ખેર, આવતીકાલે મારું પ્લેન એફ-11ની સર્વિસ કરવા માટે સવારે આવી જજે.’