જ. 13 ડિસેમ્બર, 1923 અ. 29 માર્ચ, 2020

અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ફિલિપ ઍન્ડરસનનો જન્મ ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.માં થયો હતો. તેમના પિતા હેરી વૉરન ઍન્ડરસન ઇલિનૉય વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર હતા. 1940માં અર્બાનાની શાળામાં અભ્યાસ કર્યો. માઇલ્સ હાર્ટલે નામના ગણિતશિક્ષકના પ્રોત્સાહનથી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ છાત્રવૃત્તિ અંતર્ગત અધ્યયન માટે પ્રવેશ મેળવ્યો. 1943માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1945માં બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ સુધી નૌસેના અનુસંધાન પ્રયોગશાળામાં ઍન્ટેના બનાવવાની કામગીરી કરી. યુદ્ધ બાદ ભૌતિકશાસ્ત્રના વધુ અભ્યાસ માટે હાર્વર્ડ આવી ગયા. 1947માં એમ.એ. અને 1949માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એ વર્ષમાં જ તેઓ બેલ ટેલિફોન લૅબોરેટરીઝમાં જોડાયા. 1975થી બેલ અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં તેઓ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. તેમણે ભૌતિકશાસ્ત્રમાં અનેક સંશોધનો કર્યાં છે. ઉચ્ચ ઇલેક્ટ્રૉનિક પરિપથિકી(advanced electronic circuitry)માં તેમણે અત્યંત મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તેમનાં લખાણોમાં કેટલાક યાદૃચ્છિક જાલિકા(random lattices)માં પ્રસરણ(diffusion)નો અભાવ (1985) અને ઘન વિશેના ખ્યાલ(concepts of solids)નો સમાવેશ થાય છે. તેઓ જાપાની સંસ્કૃતિમાં પણ રુચિ ધરાવતા હતા. જાપાની બોર્ડ ગેઇમ ‘ગો’ના તેઓ નિષ્ણાત હતા. કમ્પ્યૂટરમાં બિનખર્ચાળ ઇલેક્ટ્રૉનિક સ્વિચિંગ અને સ્મૃતિતંત્ર(memory)નાં સાધનોના વિકાસને શક્ય બનાવતા ઘનઅવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં તેમના સંશોધન બદલ તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. 1977માં આ નોબેલ પારિતોષિક તેમને જ્હૉન વાન વ્લેક અને સર નેવિલ એફ મોટ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું.
શુભ્રા દેસાઈ
