ફ્રિટ્ઝ જેકબ હેબર


જ. 9 ડિસેમ્બર, 1868 અ. 29 જાન્યુઆરી, 1934

જર્મન ભૌતિક-રાસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કાર વિજેતા ફ્રિટ્ઝ જેકબ હેબરનો જન્મ બ્રેસ્લો, પોલૅન્ડમાં થયો હતો. તેઓ એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. તેમના જન્મ પછી લગભગ ત્રણ અઠવાડિયાંમાં માતાનું મૃત્યુ થયું તેથી જુદા જુદા સંબંધી પાસે ઉછેર થયો. શરૂઆતમાં જ્હોનનેમ પ્રાઇમરી શાળામાં અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉંમરે બ્રેસ્લોમાં સેંટ ઇલિઝાબેથ ક્લાસિકલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1886માં સપ્ટેમ્બરમાં સેંટ ઇલિઝાબેથ જીમેનઝિયમમાંથી ઉત્તીર્ણ થઈ રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે હાલની બર્લિનની હમબોલ્ટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. 1886થી 1891 દરમિયાન તેમણે એ. ડબલ્યૂ. હૉફમૅનના હાથ નીચે યુનિવર્સિટી ઑફ હાઇડેલબર્ગમાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કરી 1891માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાંથી 1889માં એક વર્ષની સ્વૈચ્છિક સેવા માટે ‘સિક્સ્થ ફિલ્ડ આર્ટિલરી રેજિમેન્ટ’માં દાખલ થયા. ત્યાંથી પાછા આવી શાર્લોટનબર્ગમાં કાર્લ લિબરમનના વિદ્યાર્થી તરીકે ઑર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો. હેબર 1906થી 1911 સુધી કાલ્સરૂહ યુનિવર્સિટીમાં ભૌતિક-રસાયણના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1912માં તેઓ ડાહલેમ ખાતે નવા શરૂ થયેલ કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિકલ કેમિસ્ટ્રી ઍન્ડ ઇલેક્ટ્રૉકેમિસ્ટ્રીના નિયામક તરીકે નિમાયા. જમીનની ફળદ્રૂપતા વધારવા હવામાંના નાઇટ્રોજનને સસ્તી પદ્ધતિ વડે સંયોજન રૂપે મેળવવાના વિચારને લક્ષમાં લઈ હેબરે સતત બે વર્ષ સુધી (1907-1909) સંશોધન કરીને શોધી કાઢ્યું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયાનું સંશ્લેષણ થઈ શકે છે. 1913માં કાર્લ બોશે આ પ્રક્રિયા ઔદ્યોગિક ઉત્પાદન માટે વિકસાવી. આથી આ વિધિ હેબર-બોશ પ્રવિધિ તરીકે જાણીતી છે. હેબરને મૂળતત્ત્વોમાંથી એમોનિયાના સંશ્લેષણ માટેની પદ્ધતિ શોધવા બદલ 1918નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો. આ ઉપરાંત તેમને રૉયલ સોસાયટી(લંડન)નો રમફર્ડ ચંદ્રક તથા લંડનની કેમિકલ સોસાયટીનું માનાર્હ સભ્યપદ પણ એનાયત થયેલાં. આ ઉપરાંત ઘણી બધી વિજ્ઞાનની અકાદમીએ તેમને માનાર્હ સભ્યપદ એનાયત કરેલું. તેમણે જર્મન ભાષામાં લખેલાં પુસ્તકો ‘ધ થીઅરેટિકલ બેસિઝ ઑવ્ ટૅકનિકલ ઇલેક્ટ્રૉકેમિસ્ટ્રી’ (1898) અને ‘ધ થરમૉડાયનેમિક્સ ઑવ્ ટૅકનિકલ ગૅસ રિએક્શન્સ’ (1905) બદલ તેમને સારી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1920માં તેમણે ભૌતિક-રસાયણના અભ્યાસ માટે ઉત્તમ કક્ષાની પ્રયોગશાળા સ્થાપી હતી જે ઉદ્યોગોને મદદરૂપ બની એ વિશ્વની એક અગ્રણી સંસ્થા બની.