જ. ૧૩ જુલાઈ, ૧૮૯૯ અ. ૧૮ જાન્યુઆરી, ૧૯૫૦

ગુજરાતી નાટ્યકાર બટુભાઈ ઉમરવાડિયાનો જન્મ સૂરત જિલ્લાના વેડછી ગામે થયો થયો હતો. તેમણે ૧૯૨૦માં મુંબઈથી બી.એ. અને ૧૯૨૭માં એલએલ.બી.ની પદવી મેળવી હતી. એલએલ.બી. થયા પછી તેમણે વકીલાત કરી તેમજ સરકારી અને બીજી નોકરીઓ પણ કરી. એમણે કનૈયાલાલ મુનશીના અધ્યક્ષપદે રચાયેલી બિનસરકારી બારડોલી તપાસ સમિતિના મંત્રી તરીકે કામ કર્યું હતું. એમણે વિવિધ સામયિકો પણ ચલાવ્યાં હતાં જેમાં ‘ચેતન’ (૧૯૨૦-૧૯૨૩), ‘વિનોદ’ (૧૯૨૧-૧૯૨૩) માસિકો અને ‘સુદર્શન’ (૧૯૨૮-૧૯૨૯) સાપ્તાહિકનો સમાવેશ થાય છે. ૧૯૩૬થી ૧૯૪૯ દરમિયાન તેમણે અમદાવાદ મિલમાલિક મંડળના મંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. કનૈયાલાલ મુનશીની સાહિત્યસંસદની પ્રવૃત્તિઓમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો. તેમણે સુન્દરરામ ત્રિપાઠી, કિશોરીલાલ શર્મા, હરરાય દ્વિવેદી, કમળ વગેરે નામોથી સાહિત્યલેખન કર્યું હતું. એમણે નિબંધ, વિવેચન, વાર્તા, નાટક, નવલકથા, ગરબા, ગદ્યકાવ્યો જેવા વિભિન્ન પ્રકારોમાં પોતાની કલમ ચલાવી હતી. ‘રસગીતો’ (૧૯૨૦), ‘સંસાર એક જીવનનાટ્ય’ (૧૯૨૧), ‘વાતોનું વન’ (૧૯૨૪), ‘મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો’ (૧૯૨૭), ‘માલાદેવી અને બીજાં નાટકો’ (૧૯૨૭), ‘રાસઅંજલિ’ (૧૯૩૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમના અવસાન પછી તેમનાં પુત્રી મધુરીબહેને તેમનું અપ્રગટ સાહિત્ય પ્રકાશિત કર્યું, જેમાં ‘આપણા મહાજનો’ રેખાચિત્રો, ‘મધુસૂદન’ અધૂરી રહેલી નવલકથા અને ‘શેષ સાહિત્ય’ પ્રકીર્ણ લેખોના સંગ્રહનો સમાવેશ થાય છે. તેમની સ્મૃતિમાં ‘બટુભાઈ ઉમરવાડિયા ડ્રામેટિક રિસર્ચ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બુડ્રેટી’ નામની સંસ્થા પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનાં નાટકો અને અન્ય સાહિત્ય પ્રકાશિત કર્યું છે.
અનિલ રાવલ