જ. ૨૯ જુલાઈ,૧૯૨૨ અ. ૧૫ નવેમ્બર,૨૦૨૧

ઇતિહાસકાર અને લેખક બલવંત પુરંદરે બાબાસાહેબ પુરંદરેના નામથી જાણીતા છે. તેમણે શિવાજી મહારાજને કેન્દ્રમાં રાખીને સર્જન કર્યું છે આથી તેમને ‘શિવ-શાહિર’ પણ કહેવામાં આવે છે. તેઓ સાત વર્ષના હતા ત્યારે પ્લેગને લીધે તેમનો પરિવાર પુણેથી સિંહગઢ કિલ્લાની તળેટીમાં ડોંજેમાં સંબંધીને ત્યાં સ્થળાંતરિત થયો. આ દરમિયાન કિલ્લાની મુલાકાત લીધી. પિતા તેમને કિલ્લાની અને મરાઠા સામ્રાજ્યની વાર્તાઓ કહેતા, આથી એ બધું એમના સર્જનનો વિષય બની રહ્યું. તેમણે આચાર્ય અત્રેના વર્તમાનપત્રમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. દાદરા અને નગર હવેલીના મુક્તિસંગ્રામમાં ભાગ લીધો હતો. નાની ઉંમરે શિવાજીના શાસનને લગતી વાર્તાઓ લખી હતી. આ વાર્તાઓનો ‘થિનાગ્ય’ નામના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે ૩૬ પુસ્તકો લખ્યાં છે જેમાં ‘રાજા શિવ-છત્રપતિ’ અને ‘કેસરી’ પ્રસિદ્ધ છે. તેમના ‘રાજા શિવ-છત્રપતિ’ પુસ્તક પરથી ૨૦૦૮માં ટીવી. પર ‘રાજા શિવ-છત્રપતિ’ સિરિયલ રજૂ થઈ હતી. તેમણે શિવાજી મહારાજ પર ૧૨,૦૦૦થી વધુ પ્રવચનો આપ્યાં હતાં. તેમની સૌથી જાણીતી રચના ‘જાણતા રાજા’ છે. આ નાટકનું ૧૯૮૫માં પ્રથમ વખત મંચન કરવામાં આવ્યું હતું. મૂળ મરાઠીમાં લખેલ આ નાટક હિન્દી સહિત પાંચ ભાષાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. જેના ભારત અને વિશ્વમાં બારસો ઉપરાંત પ્રયોગો થયા છે. આ નાટકમાં ૨૦૦થી વધુ કલાકારો છે તેમજ હાથી, ઘોડા વગેરેને મંચ પર રજૂ કરવામાં આવે છે. તેમણે અંબેગાંવ પાસે ‘શિવસૃષ્ટિ’ની સ્થાપના કરી છે. મહારાષ્ટ્રભૂષણ ઍવૉર્ડ માટેના દસ લાખ રૂપિયાના પુરસ્કારમાંથી માત્ર ૧૦ પૈસા તેમણે સ્વીકારી પોતાના તરફથી તેમાં ૧૫ લાખ રૂપિયા ઉમેરી એ રકમ કૅન્સરના સંશોધન માટે દાન આપી હતી. તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં હતાં. ૨૦૦૭-૦૮માં કાલિદાસ સન્માન, ૨૦૧૨માં પ્રાચાર્ય શિવાજીરાવ ભોસલે સ્મૃતિ પુરસ્કાર, ૨૦૧૩માં ડી.લિટ્., ૨૦૧૫માં મહારાષ્ટ્રભૂષણ, ૨૦૧૬માં જીવનગૌરવ પુરસ્કાર અને ૨૦૧૯માં પદ્મવિભૂષણથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ
