જ. ૨૩ સપ્ટેમ્બર, ૧૯૨૧ અ. ૨ મે, ૨૦૧૬

હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગુજરાતી કલાકાર બળવંતરાય ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેમણે મુંબઈની ‘ધ વિક્ટોરિયા મ્યુઝિકલ સ્કૂલ ફૉર ધ બ્લાઇન્ડ’માં શાળાંત પ્રમાણપત્ર સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ સૂરતના ‘શ્રી સંગીત નિકેતન’માં ડૉક્ટર ઇન મ્યુઝિક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કરી ‘સંગીતાચાર્ય’ની પદવી મેળવી. શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ પંડિત ઓમકારનાથજી પાસે લીધી. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા, અંધજનોની વિવિધ સંસ્થાઓ માટે પણ તેમણે સેવા બજાવી. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાની ખયાલ ગાયકીમાં, ધ્રુપદ, તરાના ખયાલ ગાયકીની રચનાઓ સંગીતબદ્ધ કરવામાં અને મંત્રો તથા શ્લોકોના ગાયનમાં પ્રશંસનીય પ્રભુત્વ મેળવ્યું હતું. તેમને ભાવનગર મહારાજા તરફથી (૧૯૪૧-૪૨) અને હંસરાજ પ્રાગજી ઠાકરસી ટ્રસ્ટ તરફથી (૧૯૪૩-૪૫) શિષ્યવૃત્તિ મળી હતી. આ ઉપરાંત તાનસેન-વિષ્ણુ દિગંબર શિષ્યવૃત્તિ(૧૯૪૯)માં પ્રથમ વિજેતા બન્યા હતા. આકાશવાણીનાં કેન્દ્રો પરથી તેઓ ઈ. સ. ૧૯૩૩થી ગાયક તથા વાદક તરીકે કાર્યક્રમો આપતા હતા. દેશ-વિદેશમાં અનેક સ્થળે સંગીત પરિષદોમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે ૨૫૦ ઉપરાંત વિવિધભાષી ભજનોનું સંગીતનિયોજન કર્યું હતું. અમેરિકાનો પ્રવાસ ખેડી અનેક વ્યાખ્યાન-નિદર્શનો યોજ્યાં હતાં. તેઓ ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીમાં સભ્યપદે હતા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રીડર તરીકેની કામગીરી બજાવી હતી. ગાયક કલાકાર ઉપરાંત તેમણે સંગીતની અન્ય બાબતો પરત્વે પણ રસ લીધો હતો. ભારત સરકારે તેઓને ૧૯૯૦માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા, ૨૦૦૪માં સંગીત નાટક અકાદમી તરફથી ઍવૉર્ડ મળ્યો હતો. ત્યારબાદ ૨૦૦૭-૦૮માં તેમને કાલિદાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
અંજના ભગવતી
