બાજી રાઉત


જ. ૫ ઑક્ટોબર, ૧૯૨૬ અ. ૧૧ ઑક્ટોબર, ૧૯૩૮

માત્ર બાર વર્ષની ઉંમરે માતૃભૂમિની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર બાજી રાઉતનો જન્મ ઓડિશાના ઢેંકાનાલ જિલ્લાના નીલકંઠપુર ગામમાં ખંડાયત પરિવારમાં થયો હતો. પિતા હરિ અને માતા રાણિયાદેવીનો સૌથી નાનો પુત્ર હતો. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં ઘરની સઘળી જવાબદારી માતાના શિરે આવી. માતા ડાંગર દળીને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. તેના મોટા ભાઈઓની આવક પણ ખૂબ જ ઓછી હતી. ઢેંકાનાલમાં શાસનની વિરુદ્ધ અવાજ ઉઠાવવા વૈષ્ણચરણ પટનાયકે ‘પ્રજામંડળ’ની સ્થાપના કરી. એમાં નાનાં બાળકોની એક વાનરસેના હતી. બાજી આ સેનામાં જોડાયો. બાજી બ્રિટિશ પોલીસની જાસૂસી કરવાનું અને તેમની પ્રવૃત્તિઓ વિશે સંદેશો પહોંચાડવાનું કામ કરતો. ૧૦ ઑક્ટોબર, ૧૯૩૮ના રોજ પટનાયકને પકડવા માટે પોલીસ ભુવન ગામમાં ગઈ, પરંતુ પટનાયક બ્રાહ્મણી નદી તરીને નીલકંઠપુર ગામમાં પહોંચી ગયા. પોલીસ મધ્યરાત્રિએ બ્રાહ્મણી નદી પાર કરવા માટે નીલકંઠપુર ઘાટ પહોંચી ત્યારે બાજી સૂતો હતો. પોલીસે તેને જગાડ્યો અને હોડીમાં બેસાડી નદી પાર કરાવવા કહ્યું. બાજીએ ના પાડતાં એક પોલીસે તેના માથા પર બંદૂકનો કુંદો માર્યો. આથી બાજીની ખોપરીમાં ફ્રૅક્ચર થયું, તે પડી ગયો. માથામાંથી લોહી વહેવા લાગ્યું છતાં તે ઊભો થયો. તેણે જોરથી અવાજ કરી પ્રજામંડળના કાર્યકારોને બોલાવ્યા. થોડી વારમાં લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા. પોલીસે નિર્દયતાપૂર્વક બાજી પર ગોળીબાર કર્યો અને તે શહીદ થયો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. બાજીના પાર્થિવ દેહને તેના વતન નીલકંઠપુર લાવવામાં આવ્યો. બાજીની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા. બાળક બાજી રાઉત ઇતિહાસમાં અમર થઈ ગયો. બાજીના જીવન અને પરાક્રમની ગાથા દર્શાવતું ‘બાજી રાઉત : ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટર’ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ