બાલગંગાધરનાથ સ્વામી


જ. 18 જાન્યુઆરી, 1945 અ. 13 જાન્યુઆરી, 2013

સમાજસેવા દ્વારા જાગરણ કરનાર સંન્યાસી બાલગંગાધરનાથ સ્વામીનો જન્મ કર્ણાટકના બાનંદુર ગામમાં થયો હતો. પિતા ચિક્કાલિંગ ગૌડા અને માતા બોરામ્મા. તેમનું બાળપણનું નામ ગંગાધરૈયા હતું. 1963માં પ્રથમ વર્ગ સાથે મૅટ્રિક થયા પછી બૅંગાલુરુની આર્ટસ ઍન્ડ સાયન્સ કૉલેજમાં સ્નાતક થયા. તેમણે આધ્યાત્મિક માર્ગ પસંદ કર્યો અને આદિ ચુંચનગિરિ મઠના રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી. તેમનું નામ બાલગંગાધરનાથ સ્વામી રાખવામાં આવ્યું. તેમણે વેદ, ઉપનિષદ અને અન્ય ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. તેમણે 24 સપ્ટેમ્બર, 1974ના રોજ પ્રાચીન નાથસંપ્રદાયના શ્રી આદિ ચુંચનગિરિ મઠના 71મા ધર્મગુરુ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે 1973માં શ્રી આદિ ચુંચનગિરિ શિક્ષણ ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આજે દેશભરમાં 480થી વધુ શાળાઓ કાર્યરત છે. તેમણે પરંપરાગત શિક્ષણપદ્ધતિની હિમાયત કરી. સંસ્કૃત કૉલેજો અને આયુર્વેદિક હૉસ્પિટલ શરૂ કરી. બૅંગાલુરુ અને મૈસૂરમાં વાજબી દરે ખર્ચાળ તપાસ અને ઑપરેશન કરતી બીજીએસ ગ્લોબલ અને બીજીએસ એપોલો હૉસ્પિટલ શરૂ કરી. કુદરતી આપત્તિ સમયે પીડિતોને મફત અનાજ, વસ્ત્રો અને જરૂરી દવાઓ પૂરી પાડી. નિરાધાર મહિલાઓ અને બાળકો માટે અનાથાશ્રમો શરૂ કર્યા. મહિલાઓને પગભર થવા માટે વ્યાવસાયિક તાલીમકેન્દ્રો શરૂ કર્યાં. ‘ગો ગ્રીન અર્થ’ ચળવળ અંતર્ગત તેમણે ‘એક વ્યક્તિ એક છોડ’ અભિયાન શરૂ કર્યું. બૅંગાલુરુ અને તેની આસપાસના વિસ્તારોમાં પાંચેક લાખ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. વનમહોત્સવ અને જલસંવર્ધન કાર્યક્રમો દ્વારા પર્યાવરણનું જતન કરવાનું કાર્ય કર્યું. તેમણે ‘કર્ણાટક વનસંવર્ધન ટ્રસ્ટ’ની સ્થાપના કરી. ગરીબ બાળકોને નાતજાતના ભેદભાવ વગર બાલમંદિરથી લઈને મેડિકલ અને એન્જિનિયરિંગ સુધી ભણવા, રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમને આજીવન કરેલાં સમાજઉપયોગી કાર્યો બદલ અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. ભારત સરકારે 2010માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. યુ.એસ.ની ઇન્ટરનેશનલ હિન્દુ વૈદિક યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી યુનિવર્સિટી ઑફ મેડિકલ સાયન્સ અને બૅંગ્લોર યુનિવર્સિટીએ તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી.