જ. 4 ફેબ્રુઆરી, 1938 અ. 17 જાન્યુઆરી, 2022

ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકના સરતાજ બિરજુ મહારાજ, લખનઉના ‘કાલકા-બિંદાદન’ ઘરાનાના વંશજ હતા. તેમણે તેમના પિતા અને ગુરુ જગન્નાથ મહારાજ (અચ્છન મહારાજ) અને કાકાઓ શ્રી લચ્છુ મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી નૃત્યની બારીકાઈઓ શીખી. બાળવયથી જ તેઓ પિતા સાથે નૃત્યની રજૂઆતોમાં જોડાતા. સાત વર્ષની ઉંમરથી તેમણે એકલા જ નૃત્ય પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે નવ વર્ષની ઉંમરે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી ત્યારે તેમણે પરિવારની નૃત્યની પરંપરા વિરાસત તરીકે સ્વીકારવાનું અને નૃત્યને જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર તરીકે માત્ર તેર વર્ષની ઉંમરે તેમણે સંગીત ભારતી(નવી દિલ્હી)માં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી અને થોડાંક જ વર્ષોમાં તેઓ દિલ્હીની ભારતીય કલા કેન્દ્ર(જે પાછળથી કથક કેન્દ્ર બન્યું)ના સૂત્રધાર બન્યા અને ત્યાં જ અનેક વર્ષો સુધી કાર્યરત રહ્યા. કથકની આધારભૂત શૈલીમાં ફેરફાર કર્યા વગર તેમણે તેમાં મૌલિક ભાવ અને નવી શબ્દરચનાઓ ઉમેર્યાં, આથી તેમની પ્રસ્તુતિ અલગ તરી આવી. નૃત્ય રજૂ કરતી વખતે માત્ર નૃત્ય જ ન કરવું, પણ તેને અનુરૂપ સમજ આપવાની તેમની રીતથી તેઓ જનસામાન્યના દિલ સુધી પહોંચી શક્યા. તેમના નૃત્યની ભાવનાત્મક અંગભંગિમાઓ જનસમૂહને સંમોહિત કરી દેતી. ગુરુ તરીકે તેમણે હજારો શિષ્યોને કથકની આવનારી પેઢીને તાલીમ આપી અને તૈયાર કર્યા. કથકને વિશ્વસ્તરે પહોંચાડવા ભારત અને અન્ય દેશોમાં પ્રવાસ કર્યો. નૃત્ય પ્રસ્તુતિની સાથે તે અંગેનાં વ્યાખ્યાન અને ડેમોન્સ્ટ્રેશન આપ્યાં. 1998માં તેમણે દિલ્હીમાં પોતાની નૃત્યશાળા ‘કલાશ્રમ’ની સ્થાપના કરી. આ સંસ્થાનું ધ્યેય નૃત્ય, સંગીત, ચિત્રકળા અને નાટ્યકળાની કેળવણી આપવાનું હતું. ભારતીય સિનેમામાં ‘શતરંજ કે ખિલાડી’, ‘દેવદાસ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ઉમરાવજાન’ વગેરેમાં તેમણે નૃત્યનિર્દેશક તરીકે સફળ કામગીરી બજાવી. બિરજુ મહારાજને પદ્મવિભૂષણ (1986), કાલિદાસ સન્માન (1989)થી નવાજવામાં આવ્યા હતા. 2012માં ‘વિશ્વરૂપમ્’ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 2016માં ‘મોહે રંગદો લાલ’ (બાજીરાવ મસ્તાની) ગીત માટે ફિલ્મફેર ઍવૉર્ડ અપાયો હતો.
બીજલ બુટાલા
