બી. જી. વર્ગીસ


જ. ૨૧ જૂન, ૧૯૨૭ અ. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય પત્રકારત્વને નવી દિશા આપનાર વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીસનું પૂરું નામ બૂબલી જ્યૉર્જ વર્ગીસ હતું. પિતા જ્યૉર્જ અને માતા અન્ના. વતન કેરળ રાજ્યનું તિરુવલ્લા ગામ અને જન્મ બર્માના મેમ્યોમાં. ધ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો. દૂનમાં હતા ત્યારે ‘ધ દૂન સ્કૂલ વીકલી’નું સંપાદન કર્યું. ૧૯૪૮માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા. પછી કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૪૮થી ૧૯૬૬ સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કામ કર્યું. ૧૯૬૬થી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માહિતીસલાહકાર અને ભાષણલેખક હતા. એ સમયે રોટરી ક્લબ ઑવ્ બૉમ્બે નૉર્થે તેમને વર્ષના શ્રેષ્ઠ પત્રકાર તરીકે સન્માનિત કર્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૫ સુધી ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી તરીકે કાર્ય કર્યું. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીની ટીકા કરવા બદલ તેમને તંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ફેલો હતા. તેમણે ‘વૉલન્ટરી ઍક્શન’ના તંત્રી તરીકે સફળ કામગીરી બજાવી હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી રહ્યા. તેઓ સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ, નવી દિલ્હીમાં પ્રાધ્યાપક હતા. તેમણે ૧૯૭૭માં કેરળના માવેલિક્કારાથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. તેઓ કારગીલ સમીક્ષા સમિતિના તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પણ હતા. ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણો થયાં પછી તેઓ એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા ફેક્ટ ફાઇન્ડિંગ મિશનમાં હતા. દેશની નદીઓના આંતર-જોડાણ માટેના ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે અને નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના પર્યાવરણીય પેટા જૂથના સભ્ય તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૯૭૮થી ૧૯૮૧ સુધી તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, અમદાવાદના અધ્યક્ષ હતા. તેમણે રાષ્ટ્રકુળ માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. ‘વૉટર્સ ઑવ્ હોપ’ (૧૯૯૦), ‘વિનિંગ ધ ફ્યુચર’ (૧૯૯૪), ‘ડિઝાઇન ફોર ટુમોરો’ (૧૯૬૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાનું જીવનચરિત્ર ‘વોરિયર ઑવ્ ધ ફોર્થ એસ્ટેટ’ લખ્યું છે. ‘ફર્સ્ટ ડ્રાફ્ટ : વિટનેસ ટુ મેકિંગ ઑવ્ મૉડર્ન ઇન્ડિયા’ તેમની આત્મકથા છે. ૧૯૭૫માં પત્રકારત્વક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને રેમન મૅગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.