ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જીવે છે


એ હકીકત છે કે ભય વિનાની કોઈ વ્યક્તિ તમને આ જગતમાં જડશે નહીં. નિર્ભયતાનો દાવો કરનારી વ્યક્તિ ઘણી વાર બડાશ હાંકીને એના ભયને છુપાવતી હોય છે. ગમે તેવો મહાન ખેલાડી પણ મેદાન પર જતી વખતે રમત પૂર્વે ભયથી એકાદ કંપારી અનુભવે છે. કોઈ કુશળ અદાકારને પૂછશો તો તે પણ કહેશે કે નાટકના તખ્તા પર પ્રવેશતાં પૂર્વે થોડી ક્ષણ ‘શું થશે ?’નો ભય એને સતાવતો હોય છે. અતિ તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ પરીક્ષા પૂર્વે નિષ્ફળતાનો ભય લટાર લગાવી જતો હોય છે. એ સાચું કે કેટલાક ભયને હસી કાઢે છે અથવા તો એને વિશેષ મહત્ત્વ આપતા નથી. આવી વ્યક્તિ પણ ભીતરમાં ભય અનુભવતી હોય છે. કોઈને વસ્તુનો ભય લાગે છે, તો કોઈને વ્યક્તિનો ભય લાગે છે. કોઈને ગરીબીને કારણે ભવિષ્ય કેવું દુ:ખદ જશે એનો કાલ્પનિક ડર લાગતો હોય છે તો કોઈને પોતાની અમીરાઈ છીનવાઈ જશે તો શું  થશે એવો ભાવિનો ભય સતાવતો હોય છે. ભયને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ વધુ પસંદ છે. આમ ભય એ એક સર્વવ્યાપક લાગણી છે, આથી નિર્ભયતાની બડાશ હાંકવાને બદલે પોતાના ભીતરના ભયને સ્વીકારીને ચાલવું જોઈએ અને માનવું જોઈએ કે પ્રત્યેક ભયગ્રસ્ત પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, એમ મારી ભયની ભાવનાનો પણ ઉકેલ શોધીને તેમને નિર્મૂળ કરીશ. નિર્ભયતા એ માનવમુક્તિનો પહેલો પાઠ છે. નીડરતા એ ડર કે ભય સામેનું બ્રહ્માસ્ત્ર છે અને અભય એ આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર છે. વિચારની સ્પષ્ટતા, આચરણની દૃઢતા અને પરોપકારની ભાવના ધરાવનારને ભય કદી સ્પર્શી શકતો નથી.