અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન (ઈ. સ. 1809 થી ઈ. સ. 1865) જ્યારે અમેરિકાના ઈલિનોય રાજ્યના ધારાસભ્ય હતા, તે સમયે એક મોટો વિવાદ જાગ્યો. એ સમયે ઈલિનોય રાજ્યની રાજધાની વેન્ડેલિયા હતી. તેને સ્પ્રિંગફિલ્ડ શહેરમાં લઈ જવા માટેનું બિલ ધારાસભામાં રજૂ થવાનું હતું. સ્પ્રિંગફિલ્ડ શહેર અત્યંત વિકાસ પામતું વેપાર-રોજગારનું મોટું મથક હોવાથી ઈલિનોય રાજ્યની રાજધાની બનવા માટે યોગ્ય હતું; પરંતુ બીજા ધારાસભ્યો પોતપોતાની કાઉન્ટીના શહેરમાં રાજધાની ખસેડવાનો આગ્રહ રાખતા હતા. આ સમયે અબ્રાહમ લિંકને બીજી કાઉન્ટીના ધારાસભ્યો જોડે મૈત્રીભરી ચર્ચા-વિચારણા કરી અને સ્પ્રિંગફિલ્ડના રાજધાની બનાવવા માટેનું બિલ પસાર કરવામાં એમને ટેકો આપવાનું કહ્યું. આવો ટેકો આપવાની સામે કેટલાક ધારાસભ્યોએ લિંકન પાસેથી અમુક બાબતમાં એમના જૂથના ધારાસભ્યોના મતની માગણી કરી. મત મેળવવા માટે કોઈ સોદો કરવો, એ તો લિંકનના સિદ્ધાંતથી તદ્દન વિરોધી વાત હતી, તેથી એમણે પેલા સભ્યોને આવી શરતી મદદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. આવી સ્થિતિ હોવા છતાં લિંકનના જૂથના મતો ખરીદવા ઇચ્છતા સભ્યોએ મંત્રણા ચાલુ રાખી અને વિચાર્યું કે આખરે લિંકનને થાકીને હા પાડવી પડશે. મંત્રણા સવાર સુધી ચાલી, પણ લિંકને પોતાના જૂથના મતનો સોદો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું, ‘તમે મારા શરીરને બાળીને ભસ્મ કરી નાખો અથવા તો નરકની યાતના સહેવા માટે મારા આત્માને અંધકારમય અને નિરાશામય નરકાગારમાં નાખો; પરંતુ હું જેને અન્યાયી અને ગેરવાજબી માનતો હોઉં એવાં કોઈ પણ પગલાંમાં મારો ટેકો તમે કદી પણ મેળવી શકશો નહીં.’ લિંકનની ભારે જહેમતને અંતે સ્પ્રિંગફિલ્ડને ઈલિનોય રાજ્યની રાજધાની બનાવવાનો કાયદો પસાર થયો અને લોકોએ એમના નિષ્ઠાવાન નેતા અબ્રાહમ લિંકનનો જાહેરમાં સત્કાર કર્યો.
કુમારપાળ દેસાઈ
