જ. ૧૩ ઑક્ટોબર, ૧૮૭૭ અ. ૬ મે, ૧૯૪૬

વિદ્વાન વકીલ અને સ્વાતંત્ર્યસેનાની ભૂલાભાઈનો જન્મ અનાવિલ પરિવારમાં થયો હતો. પિતા જીવણજી અને માતા રમાબાઈ. તેમણે શાળેય શિક્ષણ વલસાડની અવાબાઈ હાઈસ્કૂલ અને મુંબઈની ભરડા હાઈસ્કૂલમાં મેળવ્યું. ૧૮૯૫માં મૅટ્રિકની પરીક્ષા પ્રથમ સ્થાને પાસ કરી. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવી વર્ડ્ઝવર્થ પારિતોષિક અને શિષ્યવૃત્તિ મેળવી. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. નોકરી દરમિયાન એલએલ.બી. થયા. ૧૯૦૫માં મુંબઈમાં વકીલાત શરૂ કરી. ૧૯૧૬માં તેઓ હોમરૂલ લીગમાં જોડાયા. થોડાં વર્ષો લિબરલ પાર્ટીના સભ્ય પણ રહ્યા. ૧૯૨૮માં ભારતમાં બંધારણીય સુધારાઓ માટેના સાયમન કમિશનનો તેમણે વિરોધ કર્યો. બારડોલી સત્યાગ્રહ પછી સરકારે નીમેલા તપાસપંચ સમક્ષ તેમણે ખેડૂતોના કેસનું પ્રતિનિધિત્વ કરી જોરદાર રજૂઆત કરી જેથી ખેડૂતોને લાભ થયો. તેઓ ૧૯૩૦માં કૉંગ્રેસમાં જોડાયા. વિલાયતી માલના બહિષ્કાર માટે મુંબઈ સ્વદેશી સભાની સ્થાપના કરી. સરકારે ૨૫ જુલાઈ, ૧૯૩૨ના રોજ તેમની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. ૧૯૩૪-૩૫માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય બન્યા. તેઓ કેન્દ્રની ધારાસભામાં ચૂંટાયા. બીજા વિશ્વયુદ્ધમાં ભારત અને ભારતીય સૈનિકોના સમાવેશનો તેમણે વિરોધ કર્યો. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો, આથી તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેમને દસ મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૫માં વચગાળાની સરકારની રચના માટે તેમણે મુસ્લિમ લીગના લિયાકત અલીખાન સાથે વાટાઘાટો કરી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના શાહ નવાઝખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરુબક્ષસિંહ ધિલ્લોન પર રાજદ્રોહના કેસમાં તેમણે બચાવપક્ષના વકીલ તરીકે અભ્યાસપૂર્ણ દલીલો કરી હતી. મોતીલાલ સેતલવાડે તેમનું જીવનચરિત્ર લખ્યું છે. મુંબઈમાં તેમના નામે રોડનું નામાભિકરણ કરવામાં આવ્યું છે.
અનિલ રાવલ
