જ. ૨૫ મે, ૧૯૩૧ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪

ડૉ. મકરંદ જનકલાલ મહેતાનો જન્મ અમદાવાદ મુકામે નાગર પરિવારમાં થયો હતો. તેમણે માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ વડોદરા, અમદાવાદ અને અમેરિકામાં લીધુ હતું. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૨૫માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની અને ૧૯૫૫માં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૬૫માં અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી આર્થિક અને વ્યાપાર-વાણિજ્યના ઇતિહાસમાં ફરીથી એમ.એ.ની ડિગ્રી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાથી ઇતિહાસ વિષયમાં પીએચ.ડી. થયા. તેમના સંશોધનનો વિષય હતો – રણછોડલાલ છોટાલાલ ઍન્ડ અહમદાબાદ કૉટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. આ સંશોધનકાર્ય તેમણે ત્રિપાઠી દ્વિજેન્દ્રનાથના માર્ગદર્શન નીચે કર્યું હતું. શ્રી મકરંદ મહેતાના માર્ગદર્શન નીચે ૧૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું હતું. તેમણે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ(અમદાવાદ), શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ હિસ્ટરી (દિલ્હી), એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા) તથા ગુજરાત યુનિવર્સિટીમાં સંશોધક તથા અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેમના નોંધપાત્ર ગ્રંથોમાં ‘ઇન્ડિયન મરચન્ટ્સ ઍન્ડ એન્ટર પ્રોન્યોર ઇન હિસ્ટૉરિકલ પર્સ્પેક્ટિવ’, ‘હિસ્ટરી ઑફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઍન્ડ કસ્ટમ્સ ઇન ગુજરાત’, ‘હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ-પરિવર્તન અને ગુજરાતના દલિતો’, ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’ને ગણાવી શકાય. વેપાર-વાણિજ્ય, ડાયોસ્પોરા, કચડાયેલા વર્ગો, સંસ્થાઓનો ઇતિહાસ એ તેમનું વિશિષ્ટ સંશોધન છે. આદિવાસીઓના લોકગીતો વિશે પણ તેમણે સંશોધન કર્યું છે. અવસાનના થોડા સમય પહેલાં તેમણે લખેલ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ખૂબ જ રસપ્રદ ગ્રંથ છે. અમદાવાદની અસ્મિતા ઘડવામાં ફાળો આપનાર પોળોની નામાંકિત વ્યક્તિઓ, સંસ્થાઓનો પરિચય કરાવ્યો છે. વિશેષ તો પોળ સંસ્કૃતિનો સુંદર ચિતાર તેમાં આલેખવામાં આવ્યો છે. ઇતિહાસકાર તરીકેના તેમના ઘડતરમાં શાળાના શિક્ષક એસ. બી. ભટ્ટ, માર્ક્સવાદી ઇતિહાસકાર સતીશચન્દ્ર મિશ્ર તથા બિઝનેસ હિસ્ટૉરિઅન દ્વિજેન્દ્રનાથ ત્રિપાઠીનો ઘણો પ્રભાવ પડ્યો હતો. તેમની દૃષ્ટિએ ઇતિહાસ સાલવારી તથા બનાવો ગોખવાનો વિષય નથી. સાચા અર્થમાં તો ઇતિહાસ માનવઅનુભવોની એવી દુર્લભ પ્રયોગશાળા છે, જેમાં માનવીની સિદ્ધિઓ તથા તેની ત્રુટિઓનું આલેખન થવું જોઈએ.
થોમસ પરમાર