મગનભાઈ પ્રભુદાસ દેસાઈ


જ. ૧૧ ઑક્ટોબર, ૧૮૯૯ અ. ૧ ફેબ્રુઆરી, ૧૯૬૯

શિક્ષણશાસ્ત્રી, લેખક, સંપાદક અને ગાંધીવાદી મગનભાઈ દેસાઈનો જન્મ ધર્મજમાં પાટીદાર કુટુંબમાં થયો હતો. શાળેય શિક્ષણ નડિયાદમાં. ૧૯૧૭માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.ના અભ્યાસ માટે દાખલ થયા, પરંતુ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ કૉલેજ છોડી. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. તેમણે બોરસદ વિનયમંદિરમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પછી ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના અધ્યાપક બન્યા. સવિનય કાનૂનભંગની લડતમાં લોકમત કેળવવાનું કાર્ય કર્યું. ૧૯૩૨માં અંગ્રેજ સરકારે ગૂજરાત  વિદ્યાપીઠને ગેરકાનૂની જાહેર કરી, પછી મગનભાઈને જેલવાસ થયો. તેમણે એક વર્ષ માટે વર્ધા મહિલા આશ્રમનું સંચાલન અને શિક્ષણ કર્યું. ૧૯૩૭થી ૧૯૬૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર રહ્યા. તેઓ ૧૯૪૬થી ૧૯૫૩ સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રમુખ હતા. ૧૯૪૬માં નવજીવન ટ્રસ્ટના સભ્ય અને ૧૯૪૭માં ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય થયા. તેઓ ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા, પરંતુ ૧૯૬૦માં રાજીનામું આપ્યું. ટ્રસ્ટીઓ સાથે મતભેદ થતાં ૧૯૬૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સેવક તરીકે રાજીનામું આપ્યું. તેઓ અનેક સંસ્થાઓ અને સમિતિઓ સાથે સંકળાયેલા હતા. શિક્ષણશાસ્ત્રી ઉપરાંત તેઓ પત્રકાર-સંપાદક પણ હતા. તેમણે ૧૯૩૯માં ‘શિક્ષણ અને સાહિત્ય’ નામનું સામયિક શરૂ કર્યું અને ૧૯૬૧ સુધી તેના તંત્રી રહ્યા. આ ઉપરાંત તેઓ અન્ય સામયિકોના પણ તંત્રી હતા. તેમણે ઘણાં પુસ્તકો અને અનુવાદો આપ્યાં છે. ‘દારૂનિષેધ અને સ્વરાજ’, ‘સત્યાગ્રહની મીમાંસા’, ‘રાજા રામમોહન રાયથી ગાંધીજી’, ‘મેકૉલે કે ગાંધી ?’ તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે અંગ્રેજીમાં પણ પુસ્તકો લખ્યાં હતાં. પ્રાથમિકથી યુનિવર્સિટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ એવા આગ્રહ માટે તેઓ જાણીતા હતા.

અનિલ રાવલ