મનોહર શ્યામ જોશી


જ. ૯ ઑગસ્ટ, ૧૯૩૩ અ. ૩૦ માર્ચ, ૨૦૦૬

હિંદી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર અને પટકથાલેખક મનોહર શ્યામ જોશીનો જન્મ અજમેર, રાજસ્થાનમાં કુમાઓની બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત્યારબાદ લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’, ‘મૉર્નિંગ ઇકો’, અંગ્રેજી દૈનિક તથા ‘વીક ઍન્ડ રિવ્યૂ’ના સંપાદક રહ્યા. ૨૯ વર્ષની વયે તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમની પ્રથમ નવલકથા ‘કરુ-કરુ સ્વાહા’ ૧૯૮૧માં પ્રગટ થઈ. આ ઉપરાંત તેમણે ૧૩ જેટલા ગ્રંથો આપ્યા છે. ભારતીય દૂરદર્શનના ઇતિહાસમાં અત્યંત લોકપ્રિય ધારાવાહિકો ‘હમલોગ’ (૧૯૮૨), ‘બુનિયાદ’(૧૯૮૭-૮૮)ના લેખન દ્વારા તેઓ હિંદી ટેલિવિઝન શ્રેણીઓના અગ્રેસર બન્યા અને ભારતીય ‘સોપ ઓપરાના પિતા’ તરીકે ઓળખાયા. હમલોગમાં મધ્યમવર્ગના ભારતના લોકોના રોજિંદા સંઘર્ષોને બતાવવામાં આવ્યા છે તો બુનિયાદ ૧૯૪૭માં ભારતના ભાગલા દ્વારા વિસ્થાપિત પરિવારના જીવન પર આધારિત હતી. બંનેએ ભારતીયોની આખી પેઢી તેમજ ભારતીય ટેલિવિઝન ઉદ્યોગ પર ઊંડો પ્રભાવ પાડ્યો. પછીનાં વર્ષોમાં ‘મુંગેરી લાલ કે હસીન સપને’, ‘કાકાજી કહીં’, ‘હમરાહી’, ‘જમીન આસમાન’ અને ‘ગાથા’ જેવી ઘણી લાંબી ચાલતી ધારાવાહિકો પણ લખી. તેમની પુરસ્કૃત રચના ‘ક્યાપ’ દુનિયામાં પરિવર્તન લાવવાનાં સ્વપ્ન અને આદર્શોના કરુણાજનક પરિણામ વર્ણવતી નવલકથા છે. તેમને વર્ષ ૨૦૦૫નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. તેમને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ સન્માન, શરદ જોષી સન્માન, શિખર સન્માન, દિલ્હી હિંદી અકાદમી ઍવૉર્ડ, ઓનિડા પિનકેલ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર, ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વ. વડાપ્રધાન મનમોહન સિંહે તેમને ‘તાજેતરના સમયમાં હિન્દીના સૌથી પ્રભાવશાળી લેખકો અને વિવેચકોમાંથી એક’ ગણાવ્યા છે.