જ. 5 જાન્યુઆરી, 1941 અ. 22 સપ્ટેમ્બર, 2011

ફક્ત 21 વર્ષ 77 દિવસની વયે ભારતીય ક્રિકેટટીમના સૌથી યુવા કપ્તાન નિયુક્ત થનારા અને ‘ટાઇગર પટૌડી’ના હુલામણા નામે પ્રખ્યાત મન્સૂર અલીખાન પટૌડીનો જન્મ ભોપાલમાં થયો હતો. તેઓ પ્રખ્યાત ક્રિકેટર ઇફ્તિખાર અલીખાન અને બેગમ સાજીદા સુલતાનના પુત્ર હતા. તેમણે અલીગઢમાં મિન્ટો સર્કલ અને દેહરાદૂનમાં વેલ્હામ બૉય્ઝ સ્કૂલ, હર્ટફોર્ડશાયરમાં લોકર્સ પાર્ક પ્રેપ સ્કૂલ અને વિન્ચેસ્ટર કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાં અરબી અને ફ્રેન્ચ ભાષા શીખી હતી. 1952માં તેમના અગિયારમા જન્મદિવસે દિલ્હીમાં પોલો રમતી વખતે તેમના પિતાનું અવસાન થતાં, મન્સૂર પટૌડી નવમા નવાબ બન્યા હતા. તેઓ જમોડી બૅટ્સમૅન હતા. તેમણે 1957માં 16 વર્ષની ઉંમરે સસેક્સ માટે ફર્સ્ટક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને યુનિવર્સિટીમાં હતા ત્યારે ઑક્સફર્ડ માટે પણ રમ્યા હતા. 1961ની પહેલી જુલાઈએ સાંજે મોટર-અકસ્માત થતાં તેમને જમણી આંખની રોશની લગભગ ગુમાવવી પડી હતી. તેમ છતાં બે ઑપરેશન અને ચાર મહિનાના પ્રયત્ન બાદ તેમણે એક આંખે રમવાનું શીખી લીધું હતું. અકસ્માતના માત્ર છ મહિના બાદ ચેન્નાઈમાં એમણે ભારત વતી સદી નોંધાવી હતી. તેમણે 1961થી 1975 દરમિયાન ભારત માટે 46 ટેસ્ટ રમી હતી, જેમાં 34.91ની ટેસ્ટ બૅટિંગ એવરેજથી 2793 રન બનાવ્યા હતા, જેમાં છ ટેસ્ટ-સદીનો સમાવેશ થાય છે. પટૌડી તેમની 46 મૅચોમાંથી 40 મૅચોમાં ભારતીય ક્રિકેટટીમના કૅપ્ટન હતા, જેમાંથી માત્ર નવ મૅચોમાં તેમની ટીમને વિજય મળ્યો હતો, જેમાં 19 હાર અને 19 ડ્રૉ રહી હતી. તેમની જીતમાં 1968માં ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો વિદેશમાં પ્રથમ ટેસ્ટમૅચ વિજયનો સમાવેશ થતો હતો. 1970થી 72 સુધી તેઓ ટેસ્ટ રમ્યા નહોતા. 1973માં અજિત વાડેકરની આગેવાનીમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે તેઓ ભારતીય ટીમમાં પાછા ફર્યા હતા. 1974-75માં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમણે અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યાં હતાં. 1971માં તેમણે ગુડગાંવ મતવિસ્તારમાંથી અને 1991માં ભોપાલ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી પણ અસફળ રહ્યા હતા. 1964માં અર્જુન પુરસ્કાર, 1967માં પદ્મશ્રી અને 2001 સી. એ. નાયડુ પુરસ્કારથી તેમને સન્માનવામાં આવ્યા હતા. તેમણે ‘ટાઇગર્સ ટેલ’ નામની ક્રિકેટકથા લખી છે.
અમલા પરીખ
