જ. 12 જાન્યુઆરી, 1911 અ. 5 ફેબ્રુઆરી, 2008

ભાવાતીત ધ્યાનના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. તેમના પૂર્વજીવન વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે 1942માં અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં ઉપાધિ મેળવી અને થોડા સમય માટે કારખાનાંઓમાં કામ કર્યા પછી જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય જતા રહ્યા હતા. ત્યાં તેર વર્ષો સુધી બાબા ગુરુદેવ(બ્રહ્માનંદ સરસ્વતી)ના માર્ગદર્શન હેઠળ અધ્યયન કર્યું. 1952 પછી ભાવાતીત ધ્યાન(ટ્રાન્સન્ડેનટલ મેડિટેશન – TM)ના પ્રચારાર્થે વિશ્વસ્તર પર ઝુંબેશ આદરી. 1970માં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિક ‘સાયન્સ ઍન્ડ સાયન્ટિફિક અમેરિકન’માં લખાણ પ્રસિદ્ધ થયું અને તેઓ પ્રસિદ્ધિ પામ્યા. 1972માં પોતે તૈયાર કરેલ વૈશ્વિક યોજનાનું વિમોચન કરી તે દ્વારા ચેતનાશુદ્ધિ અંગેના નવા વૈજ્ઞાનિક અભિગમ ‘સર્જનાત્મક ગ્રહણશક્તિ’નો પ્રારંભ કર્યો. છેલ્લાં લગભગ 40 વર્ષમાં તેમણે વિશ્વના બધા જ ભૌગોલિક વિભાગોમાં વિશ્વશાંતિ પરિષદો અને સભાઓનું આયોજન કર્યું છે. તેમના વિશ્વભરના પ્રવાસોને કારણે તેમના અનુયાયીઓમાં તેઓ ‘ધ ફ્લાઇંગ યોગી’ નામથી ઓળખાય છે. અઠ્ઠાવીશ દેશોની 200 જેટલી યુનિવર્સિટીઓ તથા સંશોધનસંસ્થાઓમાં 600 જેટલા વૈજ્ઞાનિક અભ્યાસો થયા પછી એવું ફલિત થયું છે કે તેમના આ કાર્યક્રમો દ્વારા માત્ર વ્યક્તિગત સ્તર પર જ નહિ, પરંતુ સામાજિક સ્તર પર પણ ઘણા લાભ થયા છે. 1987માં તેમણે ‘મહર્ષિ વેદવિજ્ઞાન વિશ્વવિદ્યાપીઠ’ના નેજા હેઠળ 7000 જેટલા વૈદિક વૈજ્ઞાનિકોનું જૂથ ઊભું કર્યું છે, જેમના દ્વારા મહર્ષિના ભાવાતીત ધ્યાન તથા ભાવાતીત સિદ્ધિ કાર્યક્રમો આગળ ધપાવવામાં આવી રહ્યા છે.
રાજશ્રી મહાદેવિયા
