મહેન્દ્ર કપૂર


જ. 9 જાન્યુઆરી, 1934 અ. 27 સપ્ટેમ્બર, 2008

હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ પાર્શ્વગાયક મહેન્દ્ર કપૂરનો જન્મ અમૃતસરમાં થયો હતો. હિન્દી ફિલ્મજગતમાં જ્યારે સુપ્રસિદ્ધ દિગ્ગજ ગાયકો પોતાના અવાજ અને ગાવાની શૈલી સાથે છવાયેલા હતા ત્યારે શ્રી મહેન્દ્ર કપૂરે પોતાની આગવી ઓળખ બનાવી. તેઓ નાનપણથી જ મહંમદ રફીને પોતાની પ્રેરણામૂર્તિ માનતા. તેઓ બહુ જ નાની ઉંમરે મુંબઈમાં સ્થાયી થયા. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પંડિત હુસ્નલાલ, પંડિત જગન્નાથ બુઆ, પંડિત તુલસીદાસ શર્મા, ઉસ્તાદ નિઆજ અહેમદ ખાં અને ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાં પાસેથી લીધી. સેંટ ઝેવિયર્સના સ્નાતક મહેન્દ્ર કપૂરે રફીસાહેબે ગાયેલાં ગીતોને મૌલિક રીતે રજૂ કરીને મેટ્રો-મરફી ઑલ ઇન્ડિયા સંગીત સ્પર્ધા જીત્યા પછી તેમની કારકિર્દીનો રસ્તો ખૂલી ગયો. તેમણે પહેલી વાર 1958માં વી. શાંતારામની ‘નવરંગ’ ફિલ્મમાં ‘આધા હૈ ચંદ્રમા’ ગાયું. ટીવી સિરિયલ ‘મહાભારત’માં તેમણે ગાયેલ શીર્ષક ગીત ખૂબ લોકપ્રિય થયું. બી. આર. ચોપરાની ફિલ્મો ‘હમરાઝ’, ‘નિકાહ’, ‘ગુમરાહ’, ‘ધૂલ કા ફૂલ’ વગેરેમાં તેમણે ગાયેલાં ગીતો યાદગાર બન્યાં છે. તેમનો અવાજ મંદ્રસપ્તકથી તારસપ્તક સુધી એટલો આસાનીથી પહોંચતો કે તેમને ‘vibrant voice of India’ તરીકે ઓળખવામાં આવતા. અભિનેતા મનોજકુમારની ફિલ્મોના તેઓ ‘અવાજ’ કહેવાતા. ભારતના તે સૌથી પહેલા પાર્શ્વગાયક હતા જેમણે અંગ્રેજી ભાષામાં પણ રેકૉર્ડિંગ કર્યાં. ખૂબ જાણીતા બેન્ડ બોની-M સાથે સહયોગ કરીને તેમણે પ્રખ્યાત ગીતોને હિન્દી ભાષામાં પોપ આલબમ-3માં ગાયાં. પંજાબી, ગુજરાતી, મરાઠી, ભોજપુરી એમ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં તેમણે ગાયું હતું. શ્રી કપૂરે ગાયેલ લોકપ્રિય ગુજરાતી ગીતો એટલે ‘ઓ રંગ રસિયા’, ‘જેને રામ રાખે’, ‘ધૂણી રે ધખાવી’, ‘જોબનિયું આજ આવ્યું’ વગેરે છે. સંગીતક્ષેત્રે તેમણે કરેલા અમૂલ્ય યોગદાન માટે 1972માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. મહારાષ્ટ્ર સરકારે તેમને શ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે નવાજ્યા હતા અને અનેક ફિલ્મફેર ઍવૉર્ડ આપવામાં આવ્યા.