જ. 25 જાન્યુઆરી, 1824 અ. 29 જૂન, 1873

ઓગણીસમી સદીના બંગાળી સાહિત્યના કવિ અને નાટ્યકાર માઇકલ મધુસૂદન દત્તનો જન્મ સાગરદરી, બંગાળ(હાલ બાંગ્લાદેશ)માં થયો હતો. શિક્ષણ ગામની જ શાળામાં લીધું, પછી પરિવાર કૉલકાતા સ્થાયી થયો. તેથી પ્રેસિડન્સી કૉલેજ(તે સમયે હિન્દુ કૉલેજ)માં પણ થોડા સમય પછી બિશપ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં ગ્રીક, લૅટિન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. અંગ્રેજી સાહિત્ય તથા સંસ્કારિતાનું ઘેલું લાગવાથી લેખનની શરૂઆત અંગ્રેજી કાવ્યથી કરી. ઇંગ્લૅન્ડ તેમના માટે આધ્યાત્મિક વતન બનવાથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી પરિવાર નારાજ થયો, આથી મદ્રાસ (ચેન્નાઈ) ગયા. ત્યાં 1848થી 1852 દરમિયાન ‘મદ્રાસ મેઇલ (પુરુષ) ઓર્ફન એસાઇલમ્ સ્કૂલ’માં શિક્ષક બન્યા. ત્યારબાદ 1852થી 1856 સુધી ‘મદ્રાસ યુનિવર્સિટી હાઈસ્કૂલ’માં અધ્યાપક રહ્યા અને આ દરમિયાન લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. ‘ટિમોધી પેન પોએમ’ તખલ્લુસથી ‘ધ કેપ્ટિવ લેડીઝ’ અને ‘વિઝન ઑફ ધ પાસ્ટ’ નામથી અંગ્રેજી કાવ્યો રચ્યાં.
1848માં તેમને બંગાળી નાટકોનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ સોંપાયું ત્યારે તેમને બંગાળી મૌલિક નાટક લખવાનો વિચાર સ્ફુર્યો. તેમનું પ્રથમ નાટક ‘શર્મિષ્ઠા’ (1858) રંગભૂમિ પર સફળ થયું. આ સાથે જ આધુનિક બંગાળી નાટકનો પ્રારંભ થયો. તેમનાં બે પ્રહસનો – ‘એકેઇ કી બાલે સભ્યતા’ અને ‘બડો સાલિકેર ઘેર રોન’ તથા સોનેરી સફરજનની ગ્રીક પુરાણકથાના રૂપાંતર રૂપે ‘પદ્માવતી’ નાટક લખ્યું. આ ત્રણે 1860માં પ્રગટ થયાં. 1861માં ‘કૃષ્ણાકુમારી’ લખી ટ્રૅજેડીના સ્વરૂપનો પ્રયોગ કર્યો. તેમનું પ્રથમ મહાકાવ્ય ‘તિલોત્તમા સંભવ કાવ્ય’ (1860) બ્લૅન્ક વર્સના પ્રયોગ રૂપે હતું. આથી બંગાળી કવિતામાં છંદ અને કાવ્યબંધનની દૃષ્ટિએ એક નવો તબક્કો આરંભાયો. તેમની શ્રેષ્ઠ કાવ્યરચનાની શરૂઆત ‘મેઘનાદવધ કાવ્ય’(1861)ના પ્રકાશન દ્વારા થઈ. તે પછી ‘વ્રજાંગના’ અને ‘વીરાંગના’માં પણ અનેકવિધ નવા છંદપ્રયોગો કર્યા. ઇંગ્લૅન્ડ ગયા પછી લખેલાં સૉનેટ ‘ચતુર્દશદી કવિતાવલિ’ નામે 1866માં ગ્રંથસ્થ થયાં. તેમણે ફ્રેન્ચમાંથી લા ફૉન્તેનની કેટલીક બોધકથાઓ તથા મૂળ ગ્રીક પરથી ‘ઇલિયડ’ના કેટલાક સર્ગોનો અનુવાદ કર્યો. 1871માં ‘હેક્ટર બદ્ધ’ નામનો અનુવાદ તેમની છેલ્લી ગણનાપાત્ર કૃતિ હતી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે ભારત સરકારે તેમના નામની ટપાલટિકિટ પણ બહાર પાડી હતી.
રાજશ્રી મહાદેવિયા
