નદીના વહેતા પાણી પાસે કેવો સર્વજન સમભાવ છે ! નદી બધાને સરખું પાણી આપે છે. ગમતી વ્યક્તિને મીઠું પાણી અને અણગમતાને ખારું એવો કોઈ ભેદ નહીં. કોઈને શીતળ જળ આપે અને કોઈને ગરમ પાણી – એવુંય નહીં. જે કોઈ આવે, એને કશાય ભેદના ભાવ વિના એકસરખું જળ આપે છે. વૃક્ષ સતત વિકસતું રહે છે. એ ધરતીમાં ખીલે છે અને રણમાં પણ મળે છે. કાળમીંઢ પથ્થર પણ એનો વિકાસ રોકી શકતો નથી. એ તો મોટા, વિશાળ પથ્થરને ભેદીને પણ એની વચ્ચે પ્રગટ થાય છે. ધરતી સદાય સહન કરતી રહે છે. માણસ એના પર ચાલે કે દોડે એ તો ઠીક, કિંતુ એને ઊંડે સુધી ખોદે તોય સહેતી રહે છે. ક્યારેય એ માણસને ઠપકો આપતી નથી કે પછી એની ઇચ્છાનો ઇન્કાર કરતી નથી. સૂર્ય સદા સહુને ચાહે છે. એનો પ્રકાશ માત્ર ધનિકોના મહેલો સુધી સીમિત નથી, પણ ગરીબોની ઝૂંપડીનેય અજવાળે છે. એનું તેજ માત્ર માનવી સુધી મર્યાદિત નથી, પ્રાણીમાત્ર પણ પામે છે. અંધારી રાતે ટમટમ થતા તારા સહુની આંખોનો આનંદ બને છે. ગામને પાદરે ખાટલામાં સૂતેલા બાળકને કે આકાશ પર આંખ માંડીને બેઠેલા ખગોળવિજ્ઞાનીને એ સરખું તેજ આપે છે. નદી, વૃક્ષ, ધરતી, સૂર્ય કે આકાશ ભેદના કશાય ભાવ વિના કાર્ય કરે છે. એ માનવીની માફક પ્રેમભર્યો સંવાદ કરતા નથી, પરંતુ પ્રેમથી સહુની સાથે સમભાવ રાખે છે, ત્યારે એક માનવી જ કેવો કે જે ભેદભાવ વિના જીવી શકતો નથી ! એને જ્ઞાતિનો ભેદ ગમે, એને જાતિનો ગર્વ ગમે, એેને દેશના સાંકડા સીમાડા પસંદ પડે. જ્યાં હોય ત્યાં એ ભેદ શોધે, એને ધર્મનો ભેદ હોય કે ત્વચાના રંગનો ભેદ હોય. એને ભેદ વિના સહેજેય ન ચાલે. આ ભેદમાં એટલો ડૂબ્યો કે એ જ્ઞાતિ, જાતિ કે ધર્મનો બની રહ્યો, પણ માણસાઈભર્યો માનવ ન રહ્યો.
કુમારપાળ દેસાઈ
