મારી હારથી આનંદ


ફિલ્મોના મહાન અભિનેતા, સર્જક અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિને પાંત્રીસ જેટલી ટૂંકી સ્લેપસ્ટિક કૉમેડીમાં પોતાની અભિનયક્ષમતા દાખવી અને એમની કારકિર્દીનાં ત્રીસ વર્ષમાં એમણે કરેલી મોટા ભાગની કૉમેડી ફિલ્મોમાં રસ્તે રઝળતા રખડું(ટ્રમ્પ)નું રમૂજી પાત્ર ભજવ્યું અને તે સતત વિકસતું રહ્યું. લઘરવઘર વસ્ત્રપરિધાન, બહાદુરી સાથે ડરપોકપણાનું સંમિશ્રણ, જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ, અસંગત ગણાતું વરણાગિયાપણું, નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ અને એ બધાની સાથે ચૅપ્લિનની આગવી હાજરબુદ્ધિ. એને પરિણામે આ પાત્ર અત્યંત સફળ થયું. આ પાત્રએ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એનાં ગીતો રચાવા લાગ્યાં. એની બાળરમતો યોજાતી અને રખડુની લાક્ષણિકતા ધરાવતી નાની નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે એક ડૉલરમાં બજારમાં વેચાતી મળતી હતી. આ પાત્રની લાક્ષણિકતાએ સઘળા સાંસ્કૃતિક ભેદો ઓગાળી નાખ્યા હતા. આમ 1914માં ‘કિડ ઓટો રેસ ઇન વેનિસ’માં આપેલા રખડું વરણાગિયાના પ્રતીક પાત્રનો 1940માં ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મથી અંત આવ્યો. એક વાર ચાર્લી ચૅપ્લિનના આ રખડુ વરણાગિયાના પાત્રનું અનુકરણ કરવાની જર્મનીના એક શહેરમાં સ્પર્ધા યોજાઈ. જુદા જુદા અદાકારોએ આ રખડુ વરણાગિયાના અભિનયની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્પર્ધાનું બોર્ડ વાંચીને ચાર્લી ચૅપ્લિને પણ એમાં ભાગ લીધો અને એમણે ચાર્લી ચૅપ્લિન જેવા અભિનય કરતા અદાકારોની વચ્ચે ઝુકાવ્યું. સ્પર્ધાનું આંચકાજનક પરિણામ આવ્યું અને સાચા ચાર્લી ચૅપ્લિનનો નકલ કરવાની સ્પર્ધામાં પરાજય થયો ! એક બીજો અદાકાર આ સ્પર્ધા જીતી ગયો. ત્યારે ચૅપ્લિને કહ્યું, ‘મારા દેખાવ અને અભિનયની નકલ બધા કરી શકે, પરંતુ અભિનયના મારા અંદાજની અને મારી બુદ્ધિની નહીં. મને મારી હારથી આનંદ થયો, કારણ કે હું સાચો ચૅપ્લિન છું, બે નંબરી નહીં.’

કુમારપાળ દેસાઈ