જ. 15 જાન્યુઆરી, 1929 અ. 4 એપ્રિલ, 1968

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકો માટેની અહિંસક લડતના નેતા. તેઓનો જન્મ ધાર્મિક પરિવારમાં થયો હતો. પિતા તથા મામાના દાદા ખ્રિસ્તી બૅપ્ટિસ્ટ સંપ્રદાયના ઉપદેશકો હતા. તેઓએ ઈ. સ. 1948માં ગ્રૅજ્યુએટ થયા બાદ 1951માં ‘બેચલર ઑવ્ ડિવિનિટી’ની પદવી મેળવી. 1953માં કોરટ્ટા સ્કૉટ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1954માં મોન્ટગૉમેરીના બૅપ્ટિસ્ટ દેવળમાં જોડાયા. 1955માં બોસ્ટન યુનિવર્સિટીની થિયૉલૉજીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ગાંધીજીનાં લખાણો અને અહિંસાની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે યુ.એસ.માં અશ્વેત લોકોના નાગરિક હકો માટે અહિંસક ચળવળ શરૂ કરી. સૌપ્રથમ તેમણે જાહેર બસમાં રંગભેદની અને અલગતાની નીતિનો વિરોધ કરનાર રોઝાપાર્કની ધરપકડ થતાં, જાહેર બસવ્યવહારનો વરસ સુધી બહિષ્કાર પોકાર્યો. આને કારણે હિંસક બનાવો બન્યા. છેવટે સુપ્રીમ કોર્ટે રંગભેદના અને અલગતાના કાયદાને ગેરકાયદેસર ઠરાવ્યો. આ બનાવ પછી કિંગ લ્યૂથરને રાષ્ટ્રવ્યાપી નામના મળી અને આ વિજયથી અહિંસક સત્યાગ્રહમાં લોકોનો વિશ્વાસ વધ્યો. 1957માં તેમણે સધર્ન ક્રિશ્ચિયન લીડરશિપ કૉન્ફરન્સની સ્થાપના કરી. તેમણે ઘાના, ભારત વગેરે દેશોમાં અને અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં ફરીને પ્રવચનો કર્યાં. રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે લોકમત જાગૃત કર્યો. આ કારણે તેમના પર ખૂની હુમલો થયો, પણ તેઓ બચી ગયા. 1959માં તેઓ ભારતની મુલાકાતે આવેલા અને વડાપ્રધાન નહેરુને મળ્યા હતા. 1960માં તેઓ સહપાદરી થયા. તેમણે અશ્વેત લોકોના હકો માટે અનેક મંડળો સ્થાપ્યાં. રંગભેદના પ્રશ્ને તેમણે ઘણી વખત ધરપકડ વહોરી, હડતાળો અને રેલીઓ યોજી લોકોને જાગૃત કર્યા, તેને લગતાં પુસ્તકો લખ્યાં. અશ્વેત લોકોના હકો માટે ધર્મગુરુને અપીલ કરી. તેમના પ્રયાસોના ફળ રૂપે જ્હોન કૅનેડીએ અમેરિકાની કૉંગ્રેસમાં ‘નાગરિક હક’ માટેનું બિલ રજૂ કર્યું. 1964માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. 4 એપ્રિલ, 1968ના રોજ તેમની હત્યા થઈ. ભારત સરકારે તેમને આંતરરાષ્ટ્રીય સમજૂતી અને શાંતિ માટે પુરસ્કાર તેમનાં પત્નીને એનાયત કર્યો.
અંજના ભગવતી
