જ. 2 માર્ચ, 1931 અ. 30 ઑગસ્ટ, 2022

સોવિયત સંઘ(રશિયા, 1958-1991)ના સર્વોચ્ચ નેતા મિખાઇલ ગોર્બાચોવનો જન્મ કૉકેસસની ઉત્તરે એક ખેડૂતને ત્યાં થયો હતો. 16 વર્ષની વયે તેમણે ટ્રૅક્ટર પર કામ કરવા માંડ્યું. તે પછી 1950માં મૉસ્કો યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રના વિષયમાં સ્નાતક થયા. 1967માં પત્રવ્યવહાર દ્વારા કૃષિ-અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1955થી 1962ના ગાળામાં સામ્યવાદી પક્ષના યુવક મંડળ – કૉન્સોમોલમાં જોડાયા. ત્યારબાદ સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી તરીકે વરણી પામ્યા. તેમણે રશિયાના રાજકારણ અને અર્થકારણમાં આમૂલ પરિવર્તન આણ્યું, જેની દૂરગામી અસરો વર્તાવા માંડી. આર્થિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા તથા કેન્દ્રીકરણ દૂર કરી બજારલક્ષી મુક્ત સાહસ પર આધારિત અર્થકારણ અપનાવવું તેમને જરૂરી લાગ્યું. વળી સર્વદેશીય નવવિધાન કરવું પણ આવશ્યક લાગ્યું. આ ઉદ્દેશો સિદ્ધ કરવા ગોર્બાચોવે બે સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા : નવગઠન (પેરેસ્ટ્રોઇકા) અને ખુલાવટ (ગ્લાસનોસ્ટ). પેરેસ્ટ્રોઇકા નવી રચના તથા સર્વદેશીય પરિવર્તન માટેનો અને ગ્લાસનોસ્ટ દ્વારા મુક્ત સમાજ ઊભો કરવાનો હેતુ હતો. યુદ્ધકીય વાતાવરણને શાંતિમાં પલટાવવા માટે તેમણે પૂર્વ યુરોપમાં વોર્સો કરારની રૂએ લશ્કરોમાં ઘટાડો કર્યો. રાજકીય ક્ષેત્રે પ્રમુખનું સર્વોપરી સ્થાન ગ્રહણ કર્યા બાદ તેમણે સમતુલનની નીતિ અપનાવી. તેમને એકીસાથે ઘરઆંગણાક્ષેત્રે, વિદેશના આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો. વૈશ્વિક ધોરણે શાંતિથી યુદ્ધ સમાપ્ત થયું. શસ્ત્રદોડ અટકી અને લશ્કરમાં તેમજ શસ્ત્રોમાં મોટે પાયે કાપની શરૂઆત થઈ. તેમના દ્વારા રશિયાનું જે નવસંસ્કરણ થયું તે મોટે ભાગે અફર હતું. ખુલાવટની નીતિના સ્વીકાર સાથે તેમનું કાર્ય પૂર્ણ થયું તેવું કહી શકાય, પરંતુ રશિયાનું વિઘટન, એ તેના જેવી મહાસત્તાની પડતી અને તેને કારણે દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ વગેરે તેમની નેતાગીરીની નબળી બાજુ દર્શાવે છે. તેમના સત્તાત્યાગની પ્રક્રિયા રક્તવિહીન રહી તે તેમની નીતિનો વિજય દર્શાવે છે. પલટાતા યુગનાં એંધાણ પારખી તેમણે જે પરિવર્તનો કર્યાં તેમાં તેઓ સફળ રહ્યા. 1990માં તેમને શાંતિનો નોબેલ પુરસ્કાર આપીને પશ્ચિમની દુનિયાએ તેમનું બહુમાન કર્યું.
શુભ્રા દેસાઈ
