આ જગત પરથી જીવનલીલા સંકેલી લીધા બાદ કશું શેષ રહે છે ખરું કે પછી વ્યક્તિના દેહનાશની સાથોસાથ એણે પ્રાપ્ત કરેલાં યશ, સિદ્ધિ અને સમૃદ્ધિ સઘળું સમાપ્ત થઈ જાય છે ? વ્યક્તિનું અવસાન થયા પછી ધરતી પર એનું કશું બચે છે ખરું કે અગ્નિસંસ્કારની ભડભડતી આગમાં બધુંય ભસ્મીભૂત થઈ જાય છે ? નાશવંત જીવનમાં અવિનાશી હોય તો તે સત્કર્મ છે. કર્મ તો સહુ કોઈ કરે છે, કોઈ આજીવિકા માટે તો કોઈ અંગત સિદ્ધિ માટે, પરંતુ આવાં કર્મો કરનાર મૃત્યુ બાદ વિસ્મૃતિ પામે છે. કારણ કે માનવીનાં અંગત કામ તો વહેતા પ્રવાહમાં વહી જનારાં હોય છે. એ સામા પૂરે તરીને કોઈ સત્કર્મ કરનારો હોતો નથી. ગાડરિયા પ્રવાહે ચાલનાર વ્યક્તિના અસ્તિત્વની એના મૃત્યુ પછી કોઈ નોંધ પણ લેતું નથી અને એનો કોઈ અણસાર રહેતો નથી. દેહ સાથે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, જ્યારે સ્વાર્થ, સંકુચિતતા અને ભૌતિકતા જેવા અવરોધો પાર કરીને માનવી માટે કલ્યાણકારી સત્કર્મો કરનારને સહુ કોઈ યાદ કરે છે. સત્કર્મ કરવાની બે જ રીત છે, કાં તો તમે તમારી વાણી કે લેખિની દ્વારા સત્કર્મને પ્રગટ કરો અથવા તો તમે સ્વયં સત્કર્મ કરી બતાવો. આમ કાર્ય અને કલમ દ્વારા થયેલાં સત્કર્મો જ વ્યક્તિના મૃત્યુ પછી એના સ્મરણની સુવાસ આપતાં રહે છે. નાશવંત અને શાશ્વતનો ભેદ વહેલી તકે પારખી લેવો જોઈએ અને જેની નજર શાશ્વત સત્કર્મ પર છે તેની સામે નાશવંત બાબતો નાશ પામે છે. સત્કર્મ અ-મૃત છે. એ વ્યક્તિ જીવંત હોય કે દિવંગત હોય, પણ એના ભાવ સદાય વાતાવરણમાં સુવાસ પ્રેરતા હોય છે. પોતાના દેહની અને મનની શક્તિઓ સામાજિક કાર્યોમાં રેડીને કાર્ય કરનાર માનવીનાં દેહ કે મન ન હોય, તોપણ એનાં સત્કર્મ શાશ્વત રહે છે.
કુમારપાળ દેસાઈ